આજથી મરીન ડ્રાઇવથી બાંદરા ૧૨ મિનિટમાં પહોંચી શકાશે

13 September, 2024 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરા-વરલી સી-લિન્ક સાથે કનેક્ટ થઈ ગયો કોસ્ટલ રોડ

બાંદરા-વરલી સી-લિન્ક સાથે કનેક્ટ થઈ ગયો કોસ્ટલ રોડ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા મરીન ડ્રાઇવથી વરલી સુધી બાંધવામાં આવેલા કોસ્ટલ રોડને ગઈ કાલે બાંદરા-વરલી સી-લિન્ક રોડ સાથે કનેક્ટ કરવામાં આવ્યો હતો. આથી આજથી દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવથી બાંદરા કારમાં માત્ર ૧૨ મિનિટમાં પહોંચી શકાશે. કોસ્ટલ રોડ અને સી-લિન્કને જોડવામાં આવતાં દક્ષિણ મુંબઈ અને બાંદરાની વચ્ચે બીજા રસ્તાઓમાં પણ ટ્રાફિકની સમસ્યા થશે. જોકે બાંદરા સી-લિન્કને મરીન ડ્રાઇવ તરફના કોસ્ટલ રોડ રસ્તાને કનેક્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે જે ડિસેમ્બર સુધીમાં પૂરું થવાની શક્યતા છે એટલે રાહ જોવી પડશે. ગઈ કાલે બપોર બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ કોસ્ટલ રોડને વરલી સી-લિન્ક સાથે કનેક્ટ કરતા રસ્તાનું લોકાર્પણ કર્યું હતું.

અંદાજે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે મરીન ડ્રાઇવથી વરલી સુધીના ૧૦.૫૮ કિલોમીટર લંબાઈના કોસ્ટલ રોડને સી-લિન્ક સાથે કનેક્ટ કરાયા બાદ એક પણ સિગ્નલ વિના વાહનો સડસડાટ દોડશે એટલે સમયની સાથે કીમતી ઈંધણમાં ૩૦થી ૩૫ ટકાની બચત થશે. ૪.૫ કિલોમીટર લંબાઈના બાંદરા-વરલી સી-લિન્ક સાથે કોસ્ટલ રોડ કનેક્ટ કરવામાં આવ્યો છે. આથી મરીન ડ્રાઇવથી બાંદરા-વેસ્ટ સુધીના પંદર કિલોમીટર સુધી ટ્રાફિકની મુશ્કેલી વિના વાહનવ્યવહાર થશે. સોમવારથી શુક્રવાર દરમ્યાન સવારના ૭થી રાતના ૧૧ વાગ્યા સુધી આ રસ્તો ખુલ્લો રહેશે.

bandra worli sea link Mumbai Coastal Road marine drive brihanmumbai municipal corporation mumbai mumbai news