22 September, 2026 07:41 AM IST | Mumbai | Rohit Parikh
૭૦૦ જૈન શ્રાવકો-શ્રાવિકાઓએ પોતાના હાથે પશુ-પક્ષીઓને અન્ન-પાણી ખવડાવીને જીવદયા-સ્વામીવાત્સલ્યનો લાભ લીધો હતો
જૈન ધર્મમાં જીવદયા અને સ્વામીવાત્સલ્યનું વિશેષ મહત્ત્વ છે. આ બન્ને ભાવનાઓને એકસાથે જોડીને નવી મુંબઈ-વાશીના સેક્ટર-૧૪માં શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજન-મુંબઈ, શ્રી નવી મુંબઈ અચલગચ્છ જૈન સંઘ-વાશી અને શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, સેક્ટર-૧૪, વાશીના સંયુક્ત ઉપક્રમે શનિવારે ૧૯ સપ્ટેમ્બરે ‘પશુ-પક્ષી સ્વામીવાત્સલ્ય’ નામના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પશુ-પક્ષીઓને સંઘમાં બોલાવીને ભગવાનનાં દર્શન કરાવવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ નાનાં બાળકો સહિત આશરે ૭૦૦ જૈન શ્રાવકો-શ્રાવિકાઓએ પોતાના હાથે પશુ-પક્ષીઓને અન્ન-પાણી ખવડાવીને જીવદયા-સ્વામીવાત્સલ્યનો લાભ લીધો હતો. તેમણે પોતાના હાથે મૂંગા જીવોને ખવડાવીને એક અનોખો સંદેશ આપ્યો કે ‘સ્વામીવાત્સલ્ય માત્ર માણસો પૂરતું નથી. દરેક જીવ પ્રત્યે કરુણા અને પ્રેમ જ સાચી જીવદયા છે.’
આ આયોજનની વિશેષતા એ હતી કે આ પ્રકારનું મુંબઈ-નવી મુંબઈમાં આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જૈન સંઘોમાં સ્વામીવાત્સલ્યમાં સાધર્મિકોને ભોજન કરાવવામાં આવે છે, પરંતુ અહીં સ્વામીવાત્સલ્યની ભાવનાને મૂંગા જીવો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પિતાના જીવદયાના સંસ્કારમાંથી મળી પ્રેરણા
શ્રી નવી મુંબઈ અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ અને આખા આયોજનના માસ્ટરમાઇન્ડ બિપિન ગાંગજી શાહનંદે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને જીવદયાનો વારસો અને સંસ્કાર મારા પિતા ગાંગજી શાહ પાસેથી મળ્યો છે. આથી આ પયુર્ષણ પર્વ દરમ્યાન મને એક વિચાર સ્ફુર્યો કે સંઘ સ્વામીવાત્સલ્ય સદીઓથી કરવામાં આવે છે, પણ આજના યુગનાં બાળકોમાં જીવદયાની ભાવના ઉદ્ભવે એ માટે પશુ-પક્ષીના સ્વામીવાત્સલ્યનો એક નવતર પ્રયોગ સંઘમાં કરવો જોઈએ. મારા આ વિચારને પહેલાં અમારા સાધુ-સંતો પાસે રજૂ કર્યો અને ત્યાર પછી મેં અમારા મહાજન અને સંઘોમાં એને પ્રસ્તુત કરીને તેમની પરવાનગી મેળવી હતી. એમાં મને ભૂમિ જીવદયા સંવર્ધન ટ્રસ્ટના સાગર સાવલાનો સહયોગ મળ્યો હતો. તેઓ પચાસથી વધુ પશુ-પક્ષીઓને સવારે ૮ વાગ્યે અમારા સંઘના અચલગચ્છ ભવનમાં લઈ આવ્યાં હતાં.’
ભગવાનનાં દર્શન અને માંગલિક બાદ સ્વામીવાત્સલ્ય
સંઘમાં ભૂમિ જીવદયા સંવર્ધન ટ્રસ્ટ દ્વારા લાવવામાં આવેલાં પશુ-પક્ષીઓને સૌપ્રથમ ભગવાનનાં દર્શન કરાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ મહાસતીજી અને મહારાજસાહેબે માંગલિક સંભળાવીને ઉપસ્થિત શ્રાવકો-શ્રાવિકાઓને આશીર્વાદ આપ્યા હતા.
ત્યાર બાદ આશરે ૭૦૦ જેટલા લોકોએ પોતાના હાથે પશુ-પક્ષીઓને ખવડાવીને જીવદયાનો લાભ લીધો હતો એમ જણાવતાં બિપિન શાહનંદે કહ્યું હતું કે ‘આ પ્રસંગનો આયોજકો અને લાભાર્થીઓનો મુખ્ય ઉદ્દેશ જૈન ધર્મની જીવદયાની ભાવનાને માત્ર વિચાર કે ઉપદેશ પૂરતી સીમિત ન રાખીને પ્રત્યક્ષ સેવા દ્વારા અનુભવવાનો હતો. ધાર્મિક ભાવનાનો સાચો અર્થ માત્ર પૂજા કે ઉપાસના પૂરતો મર્યાદિત ન રહે પરંતુ દરેક જીવ પ્રત્યે દયા અને કરુણામાં પણ એનું પ્રતિબિંબ દેખાવું જોઈએ.’
સ્વામીવાત્સલ્યમાં શું આહાર આપવામાં આવ્યો?
આ પ્રસંગે યોજાયેલા સ્વામીવાત્સલ્યમાં પશુ-પક્ષીઓ માટે વિશેષ આહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ સંદર્ભની માહિતી આપતાં સાગર સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પશુ-પક્ષીઓને જુવાર, ચણા, ઓટ, મકાઈ, ઘાસ, લાડુ, ફળો સહિત વિવિધ પ્રકારનો આહાર સ્વામીવાત્સલ્યમાં આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ખોરાકની વ્યવસ્થા ભૂમિ જીવદયા સંવર્ધન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. સેવાભાવી અને જીવદયાપ્રેમીઓએ આગળ આવીને મૂંગા જીવોને આહાર પીરસ્યો હતો.’
આ પ્રસંગની વિશેષતાઓ
પ્રથમ વખતનો અનોખો પ્રયોગ
બાળકો સહિત ૭૦૦ જેટલાં શ્રાવકો-શ્રાવિકાઓની ભાગીદારી
પચાસથી વધુ પશુ-પક્ષીઓએ લીધો અન્નદાનનો લાભ
ભગવાનનાં દર્શન બાદ મહાસતીજી અને મહારાજસાહેબનું માંગલિક
ભૂમિ જીવદયા સંવર્ધન ટ્રસ્ટ દ્વારા ખોરાકની વ્યવસ્થા
જીવદયા અને સ્વામીવાત્સલ્યને જોડતું પ્રથમ વખતનું આયોજન
લોકો તરફથી જબરદસ્ત આવકાર અને દર ૬ મહિને આવો કાર્યક્રમ યોજવાનો આગ્રહ