04 February, 2026 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં IITના એક સ્ટુડન્ટે સુસાઇડ કરીને જીવન ટુંકાવી (Mumbai Suicide) નાખ્યું છે. IIT પવઇમાં બનેલી આ ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે. નમન અગ્રવાલ નામના સ્ટુડન્ટે જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નમન IIT પવઇમાં સિવિલ એન્જિનિયયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો.
જે રિપોર્ટ્સ મળી રહ્યા છે એ અનુસાર નમને હૉસ્ટેલના ટેરેસ પરથી પડતું મૂક્યું (Mumbai Suicide) હતું. ટેરેસ પરથી નીચે પટકાતાં ત્યાં ને ત્યાં જ તેના રામ રમી ગયા હતા. તેને તાત્કાલિક હૉસ્પિટલ પણ લઈ જવાયો હતો, પરંતુ તેને ત્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સંસ્થાનું મેનેજમેન્ટ દોડતું થઈ ગયું હતું. નમનના આ પગલાં બાદ તેના ફ્રેન્ડ્સ અને ટીચર્સને જબ્બર આઘાત લાગ્યો છે.
નમન મૂળ રાજસ્થાનના જોધપુરનો હતો તેવી માહિતી મળી છે. ભણવામાં પણ તે બ્રાઇટ સ્ટુડન્ટ તરીકે પંકાતો હોવાનું અન્ય સ્ટુડન્ટ્સ કહી રહ્યા છે. આમ હોવા છતાં નમને આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી. હાલમાં પોલીસ આ મામલાના તમામ સંભવિત પાસાંઓની તપાસ કરી રહી છે. પવઈ પોલીસે હાલમાં તો ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો છે અને ઘટના તરફ દોરી જતા પાસાંઓ નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. હાલમાં પોલીસ દ્વારા હોસ્ટેલ એરિયામાં અને આસપાસના ભાગમાં પણ તપાસના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ અધિકારીઓ (Mumbai Suicide)નું કહેવું છે કે નમનના પરિવારને આ બનાવ અંગે જાણ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
IITના મેનેજમેન્ટે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા આ બનાવ બાદ અન્ય સ્ટુડન્ટ્સની માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમીક્ષા હાથ ધરવામાં આવી છે. પોલીસ આ મામલાની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આમ, IIT બોમ્બેમાં સિવિલ એન્જિનિયરિંગના સેકન્ડ યરમાં ભણી રહેલા આશાસ્પદ સ્ટુડન્ટ નમને આ રીતે મોતની છલાંગ (Mumbai Suicide) લગાવી દીધા બાદ સંસ્થામાં ખળભળ મચી જવા પામી છે. રાજસ્થાનના જોધપુરના રહેવાસી એવા નમન અગ્રવાલે હૉસ્ટેલ બિલ્ડિંગના ટેરેસ પરથી કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી લેતા અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફને આંચકો લાગ્યો છે. પવઈ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ ફાઇલ કર્યો છે તેમજ સમગ્ર પરિસ્થિતિની તપાસ કરી રહી છે. ટૂંક જ સમયમાં વધુ વિગતો સંસ્થા ઑફિશિયલી જાહેર કરે તેવી શક્યતા છે.