જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો બાંદરા-વર્સોવા સી-લિન્ક ૨૦૨૬ સુધી તૈયાર

31 October, 2023 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલ એનું ૧૧ ટકા કામ પૂરું થયું છે

ફાઇલ તસવીર

બાંદરા-વરલી સી-લિન્ક બાદ એ જ કોસ્ટલ રોડને આગળ વધારતાં વર્સોવા-બાંદરા સી-લિન્ક બ્રિજ બનાવવાનો નિર્ણય તો લેવાયો, પણ એનું કામ કોરોનાને કારણે અટકી પડ્યું હતું. ત્યાર બાદ અન્ય સમસ્યાઓને કારણે પાછું ઠેલાયું હતું અને હવે એણે માંડ ગતિ પકડી છે. હાલ એનું ૧૧ ટકા કામ પૂરું થયું છે અને જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો એ ૨૦૨૬ના ડિસેમ્બર સુધી ચાલુ કરી દેવાની એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)ની નેમ છે.

બાંદરા-વરલી સી-લિન્કને જોડે એવા ૧૭.૧૭ કિલોમીટર લાંબા વર્સોવા-બાંદરા સી-લિન્ક બનાવવાનું કામ આમ તો ૨૦૧૯માં જ ચાલુ કરી દેવાયું હતું, પરંતુ કોરોના આવતાં કામ રખડી પડ્યું હતું. જોકે એ પછી કોરોનાનાં નિયંત્રણો હટાવી લીધા બાદ પણ કૉન્ટ્રૅક્ટર ‘વી બિલ્ડ ગ્રુપ’એ કામ બંધ જ રાખ્યું હતું. આમ ૨૦૧૯થી લઈને ૨૦૨૧ સુધીમાં માત્ર અઢી ટકા જ કામ થઈ શક્યું હતું. જોકે કૉન્ટ્રૅક્ટરના આવા ઢીલા વલણને કારણે એમએસઆરડીએ એને પહેલાં મોડું કરવા બદલ શો-કોઝ નોટિસ મોકલી અને ત્યાર બાદ દંડાત્મક કાર્યવાહી કરી એને સાડાત્રણ કરોડ રૂપિયાનો રોજના હિસાબે દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં, કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કરવાની પણ ચીમકી આપી. એ પછી ‘વી બિલ્ડ ગ્રુપ’એ જાન્યુઆરી ૨૦૨૨માં એના આ જૉઇન્ટ વેન્ચરની ભાગીદાર એવી રિલાયન્સ ઇન્ફ્રા સાથેની એની ભાગીદારી તોડીને ઉત્તર પ્રદેશની જાણીતી એવી ‘એપ્કો’ સાથે ભાગીદારી કરી ફરી કામની શરૂઆત કરી હતી. મે ૨૦૨૨થી ફરી કામ શરૂ થયું હતું અને માર્ચ ૨૦૨૩માં એ અઢી ટકાથી વધીને છ ટકા પર પહોંચ્યું હતું. એ પછી કામે ઝડપ પકડી હતી અને હવે એનું ૧૧ ટકા કામ થઈ ગયું છે. મુખ્ય વાત એ છે કે એ સી-લિન્કનું જમીન પરનું કામ હવે પૂરું થઈ ગયું છે અને આવતા ૧૫ દિવસમાં એનું દરિયાનું કામ શરૂ કરવામાં આવશે. એમએસઆરડીસી આ સી-લિન્કનું કામ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂરું કરી મોટરિસ્ટો માટે એ ખુલ્લો કરી દેવાના ટાર્ગેટ સાથે કામ કરી રહી છે.   

bandra versova sea link mumbai mumbai news