midday

દસ કરોડના ફ્લૅટ સાથે ગંધાતું નાળું અને મચ્છરો ફ્રી

16 March, 2023 09:19 AM IST  |  Mumbai | Sameer Surve

આવી અસહ્ય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અંધેરી-પશ્ચિમના આઝાદનગર અને જેવીપીડી સ્કીમના રહેવાસીઓ : બપોર પછી તેમણે બારીબારણાં બંધ કરી દેવાં પડે છે અને રાતે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો પડે છે : સાંજ પછી બાળકોને બહાર રમવા પણ જવા દેતા નથી
આઝાદનગર અને જેવીપીડીના રહેવાસીઓ ભરાઈ ગયેલા નાળાની ફરિયાદ કરવા આગળ આવ્યા છે (તસવીર : શાદાબ ખાન)

આઝાદનગર અને જેવીપીડીના રહેવાસીઓ ભરાઈ ગયેલા નાળાની ફરિયાદ કરવા આગળ આવ્યા છે (તસવીર : શાદાબ ખાન)

અંધેરી-પશ્ચિમના વૈભવી વિસ્તાર આઝાદનગર અને જેવીપીડી સ્કીમના રહેવાસીઓ દુર્ગંધ મારતા નાળા અને મચ્છરોના ત્રાસથી ગળે આવી ગયા છે. મચ્છરોના ત્રાસને લીધે તેમણે સાંજ પછી તેમનાં બાળકોનું બહાર રમવા જવાનું પણ બંધ કરાવી દીધું છે. જાણવા જેવી વાત એ છે કે આ વિસ્તારમાં ફ્લૅટની કિંમત ૧૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.

આઝાદનગર રેસિડન્ટ્સ અસોસિએશનના પ્રમુખ પરમજિત સિંહ ઘાઈએ કહ્યું હતું કે ‘આઝાદનગરની પાછળની બાજુએ વહેતું ઇર્લા નાળું કચરા અને વનસ્પતિથી છલકાય છે. ભરાઈ ગયેલી ગટરને કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ ઘણો વધી ગયો છે. સાંજ પછી અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. મચ્છરદાની વિના અમે લોકો ઊંઘી પણ નથી શકતા. પ્રત્યેક ચોમાસા પછી આ તકલીફ રહેતી જ હોય છે. અમે આ વિશે બીએમસીને ફરિયાદ કરી છે. અધિકારીઓ હંગામી ઉકેલ લાવે છે, પરંતુ અમારે આ સમસ્યાનો કાયમી ઉકેલ જોઈએ છે.’

આસપાસના વિસ્તારની ઝૂંપડપટ્ટીમાંથી કચરો સીધો નાળામાં વહી આવતો હોવાથી આ નાળામાં વનસ્પતિ વધી રહી છે, જે મચ્છરોનું કુદરતી ઉદ્ગમસ્થાન બની ગયું છે એમ કહીને અન્ય એક રહેવાસી આનંદ પોદારે ઉમેર્યું હતું કે ‘સાંજના સમયે ઘરની બહાર નીકળવું પણ ભારે પડી જાય છે. મચ્છરથી મુક્તિ મેળવવા માટે બપોર પછીથી બારીબારણાં બંધ કરી દેવાં પડે છે. સાંજના સમયે ઘરમાં બેસી રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે.’

મચ્છરોના ત્રાસને કારણે અમે સાંજે અમારાં બાળકોને બહાર રમવા જવા દેતા નથી અને બારીબારણાં બંધ હોવા છતાં રાતના સૂતી વખતે અમારે મચ્છરદાનીનો ઉપયોગ કરવો પડે છે એમ જણાવીને અન્ય એક રહેવાસી નેહા ઘાઇએ કહ્યું કે ‘ભરાઈ ગયેલા નાળાને કારણે અમારે દુર્ગંધ પણ સહેવી પડે છે. આ સમસ્યા લગભગ પાછલા એક વર્ષથી છે. હવે અમારે આ સમસ્યાનો કાયમી ઉકેલ જોઈએ છે. અમારી સોસાયટીની પાછળ વહેતા નાળાના એક ભાગમાં તરતી વસ્તુઓ અટવાઈ ગઈ છે. આ નાળું વટાવ્યા પછી નાળાનો બીજો હિસ્સો સ્વચ્છ છે. આ અમારા માટે રહસ્ય છે.’

અન્ય એક રહેવાસી અનુજ ચૌધરીએ કહ્યું કે બીએમસીએ આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ. અમે દર વર્ષે આ તકલીફ વેઠીએ છીએ. બીએમસીએ તેનો કાયમી ઉકેલ શોધવો જોઇએ. 

mumbai mumbai news andheri juhu vile parle