04 April, 2026 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે માર્ચ મહિનામાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. માર્ચ મહિનામાં મુંબઈમાં કુલ ૧૫,૫૧૬ મિલકતોનું રજિસ્ટ્રેશન નોંધાયું છે, જે છેલ્લાં ૧૪ વર્ષમાં માર્ચ મહિનાનો સૌથી ઊંચો આંકડો છે. આ મિલકત નોંધણી દ્વારા રાજ્ય સરકારની તિજોરીમાં સ્ટૅમ્પ ડ્યુટી પેટે ૧૪૯૨ કરોડથી વધુની આવક જમા થઈ છે.
આ અગાઉ માર્ચ ૨૦૨૫માં સૌથી વધુ રજિસ્ટ્રેશન નોંધાયું હતું, જેનો રેકૉર્ડ આ વર્ષે તૂટ્યો છે. વાર્ષિક ધોરણે જોઈએ તો ગત વર્ષનાં ૧૫,૫૦૧ રજિસ્ટ્રેશનની સરખામણીએ આ વર્ષે નજીવો વધારો જોવા મળ્યો છે. જોકે સ્ટૅમ્પ ડ્યુટીની વસૂલાતમાં ૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.
BMCએ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં પ્રૉપર્ટી-ટૅક્સની વસૂલાતમાં નિર્ધારિત લક્ષ્યાંક વટાવીને કુલ ૭૫૩૪ કરોડની રકમ એકત્ર કરી છે, જે એના નિર્ધારિત લક્ષ્યના ૧૦૨ ટકા જેટલી છે. BMCના ઇતિહાસમાં વસૂલાત રેકૉર્ડબ્રેક ગણાય છે. ડિજિટલ પેમેન્ટ સર્વિસને કારણે BMCએ માર્ચના અંત સુધીમાં ૭૩૦૦ કરોડ રૂપિયાના લક્ષ્ય સામે ૭૫૩૪ કરોડની રકમ વસૂલવામાં સફળતા મેળવી છે. ખાસ કરીને બાકી લેણાં ધરાવતા મોટા કરદાતાઓ સામે લેવામાં આવેલાં કડક પગલાં અને જપ્તીની નોટિસોને કારણે વસૂલાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.