06 March, 2025 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધારાવી પોલીસ
મુંબઈ પોલીસે તાજેતરમાં પૅટ્રોલિંગ દરમ્યાન સ્ટેશન વિસ્તારના ફેરિયાઓ પાસેથી પૈસા પડાવતા ધારાવી પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલા ચાર કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા. ૨૮ ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ તેમ જ ટ્વિટર પર એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં આ કૉન્સ્ટેબલો પોલીસના યુનિફૉર્મમાં સરકારી વાહનો પર આવીને પૈસા વસૂલ કરતા જોવા મળ્યા હતા. એના આધારે તાત્કાલિક અસરથી તેમને મંગળવાર રાતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તમામ કૉન્સ્ટેબલો સામે પોલીસે ઇન્ટર્નલ તપાસ શરૂ કરી છે.
ચારે કૉન્સ્ટેબલો ધારાવીમાં રોડ પર બેઠેલા ફેરિયાઓ પાસેથી પૅટ્રોલિંગ દરમ્યાન પૈસા વસૂલ કરતા હોવાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે પૈસા લીધા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો હતો એમ જણાવતાં મુંબઈ પોલીસના ઝોન પાંચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડિયોના આધારે શરૂઆતમાં અમે તપાસ કરી હતી. ત્યારે ફેબ્રુઆરી મહિનાના અંતમાં આ ઘટના થઈ હોવાની અમને માહિતી મળી હતી. એ સમયે જે કૉન્સ્ટેબલો ફરજ પર હતા તેમનાં સ્ટેટમેન્ટ્સ લેવામાં આવ્યાં હતાં. એમાંથી શંકાસ્પદ માહિતી સામે આવતાં મંગળવાર રાતથી ધારાવી પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલા પોલીસ-કૉન્સ્ટેબલ મહેન્દ્ર પૂજારી, કાશીનાથ ગજરે, ગંગાધર ખરાત અને અપ્પાસાહેબ વાકચૌરેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સામે ઇન્ટર્નલ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમને શા માટે પૈસા આપવામાં આવ્યા હતા એની પણ તપાસ કરવામાં આવી રહી છે.’