30 May, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અમદાવાદમાં રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલ મૅચ જોવા જવા માગતા ક્રિકેટપ્રેમીઓ માટે વેસ્ટર્ન રેલવેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે એક ખાસ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ સ્પેશ્યલ ટ્રેન ૩૧ મેએ સવારે ૬.૨૦ વાગ્યે મુંબઈથી ઊપડશે અને હાઈ-વૉલ્ટેજ ફાઇનલ મૅચ શરૂ થાય એ પહેલાં સમયસર અમદાવાદ પહોંચાડી દેશે. મૅચ પૂરી થયા બાદ પાછા ફરવા માટે આ ટ્રેન પહેલી જૂને વહેલી સવારે ૩.૫૦ વાગ્યે અમદાવાદથી રવાના થશે અને એ જ દિવસે મુંબઈ પાછી ફરશે.
વેસ્ટર્ન રેલવે દ્વારા મરીન લાઇન્સ સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર ૩ અને ચારની ઉપર ફુટ ઓવર બ્રિજનો ગર્ડર બેસાડવાનો હોવાથી શનિવારે મધરાત બાદ મેજર બ્લૉક રાખવામાં આવ્યો છે. એથી બોરીવલી અને વિરાર તરફથી આવનારી કેટલીક ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર જ ટર્મિનેટ કરી દેવામાં આવશે. એ જ પ્રમાણે કામ પત્યા બાદ વિરાર તરફ જતી પહેલી ફાસ્ટ ટ્રેન રવિવારે સવારના ૪.૪૦ વાગ્યે ચર્ચગેટથી છૂટશે. રવિવારે દિવસ દરમ્યાન કોઈ બ્લૉક રાખવામાં આવ્યો નથી.
મુંબઈમાં દુકાનો પર મરાઠી ભાષામાં નેમપ્લેટ લગાવવાના નિયમનું ચુસ્ત પાલન કરાવવા માટે BMCએ કમર કસી છે. BMC દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં મરાઠી નેમપ્લેટ ન રાખનારી કુલ ૧૦૨૩ દુકાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ૧૪ મેથી મુંબઈના જુદા-જુદા વૉર્ડમાં આ તપાસ અભિયાન સતત ચાલી રહ્યું છે. BMC દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ મુંબઈના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ ૩૦,૪૪૩ દુકાનો અને સંસ્થાઓની તપાસ કરવામાં આવી છે. આ તપાસ દરમ્યાન જણાયું હતું કે ૨૯,૬૩૨ દુકાનો પર નિયમ અનુસાર મરાઠી ભાષામાં બોર્ડ મારેલાં જોવા મળ્યાં હતાં, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારી ૧૦૨૩ દુકાનો સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યાં છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ દ્વારા ચૂંટાતી ૧૭ બેઠકો માટેની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ગઈ કાલે કૉન્ગ્રેસ, શિવસેના (UBT) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ની મહા વિકાસ આઘાડીએ એની ૧૭ બેઠકો નક્કી કરી લીધી છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની ૧૬ બેઠકો ફાઇનલ થઈ ગઈ છે અને એક બેઠક મોડી રાત સુધી ફાઇનલ થવાની શક્યતા હતી. એના પર ચર્ચા ચાલી રહી હતી. મહા વિકાસ આઘાડીમાં કૉન્ગ્રેસ ૮, શિવસેના (UBT) ૬, અને NCP- SP ૩ બેઠકો પર લડશે એવું સમીકરણ નક્કી થયું છે. મહાયુતિમાં BJP ૧૦, શિવસેના ૪ અને NCP બે બેઠકો પરથી લડશે. એક બેઠક પર નિર્ણય લેવાનો બાકી છે.
આવતી કાલે વર્લ્ડ નો ટબૅકો ડે છે એ નિમિત્તે પી. ડી. હિન્દુજા હૉસ્પિટલે લોકોમાં તમાકુની માઠી અસર વિશે જાગૃતિ આવે એ માટે એક ખાસ ઇન્સ્ટૉલેશન મૂક્યું છે. એમાં સિગારેટ પીવાથી ફેફસાંને કેટલું નુકસાન થાય છે એ દર્શાવવામાં આવ્યું હતું.