16 May, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહા મુંબઈ મેટ્રોના ચારકોપ ડેપોના સિક્યૉરિટી મૅનેજર સામે ડેપોમાં જ કૉન્ટ્રૅક્ટ પર કામ કરતી જુનિયર મહિલા એન્જિનિયરનો વિનયભંગ કરવા બદલ ચારકોપ પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મહિલા એન્જિનિયરને તેણે જો કાયમી થવું હોય તો તે જ મદદ કરી શકશે એમ કહી તેને પોતાની ઑફિસમાં બોલાવીને તેનો વિનયભંગ કર્યો હોવાનો સિક્યૉરિટી મૅનેજર પર આરોપ છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહિલા ૪૬ વર્ષની છે અને કૉન્ટ્રૅક્ટ પર કામ કરતી હતી. તે મેટ્રોમાં પર્મનન્ટ થવા માગતી હતી અને એ માટે પ્રયાસ કરી રહી હતી. માર્ચ ૨૦૨૫માં મસ્ટરની મંજૂરી માટે તે મહિલા સિક્યૉરિટી મૅનેજર પાસે ગઈ ત્યારે જો તારે પર્મનન્ટ થવું હોય તો એ કામ હું જ કરાવી શકીશ એમ કહીને તે મહિલા સાથે અડપલાં કરવા માંડ્યો હતો. તેના આવા વર્તનથી ચોંકી ઊઠેલી મહિલા જેમતેમ પોતાની જાતને બચાવીને બહાર દોડી આવી હતી અને ત્યાર બાદ કંપનીની કમિટીમાં તેની સામે ફરિયાદ કરી હતી તથા મહિલા આયોગમાં પણ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેને કામ પરથી કાઢી મૂકવામાં આવી હતી. મહિલા આયોગે આ કેસમાં હસ્તક્ષેપ કરતાં તેને ફરી નોકરી પર રાખવામાં આવી હતી. એ પછી તે મહિલાએ કરેલા ફૉલોઅપ બાદ ચારકોપ પોલીસે હવે તે સિક્યૉરિટી મૅનેજર સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે. મહિલાએ આ બાબતે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પણ ફરિયાદ કરીને કહ્યું છે કે આરોપી સરકારી કર્મચારી છે એટલે તેને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.