20 April, 2026 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડીરેલ થઈ ગયેલો રેલવે કોચ (સૌજન્ય: મિડ-ડે)
Mumbai Local Train: સપ્તાહના શરૂઆતમાં જ આજે સેન્ટ્રલ રેલવેની લાઇનમાં પેસેન્જર્સને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સેન્ટ્રલ રેલવેના ડોમ્બીવલી રેલવે સ્ટેશન પાસે લોકલ ટ્રેનનો એક ડબો ડીરેલ થઈ ગયો હતો. કલવા કારશેડમાંથી નીકળેલી આ ટ્રેન કલ્યાણ તરફ જઇ રહી હતી તે સમયે ટેકનિકલ ફેલ્યરને કારણે ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. જોકે આ આખી ટ્રેન ખાલી હોવાને લીધે કોઈ જાનહાનિ થઇ નથી. માત્ર આ બનાવને લીધે અન્ય કેટલીક લોકલ ટ્રેનો કેન્સલ કરવામાં આવી હતી. પરિણામે સેન્ટ્રલ રેલવેની લાઇન પર ટ્રેન સેવાઓ થોડાક સમય માટે ખોરવાઈ ગઈ હતી.
પ્રાપ માહિતી પ્રમાણે મોર્નિંગમાં આઠ વાગ્યાની આસપાસ પીક અવર્સમાં બનેલી આ દુર્ઘટના (Mumbai Local Train)ને લીધે પ્લેટફોર્મ 1 અને 2 પર લોકલ ટ્રેનની કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. કોચને ફરીથી પાટે લાવવા માટે કામગીરી ચાલતી હતી તે દરમિયાન સેન્ટ્રલ લાઇન પર ટ્રાફિક પર અસર થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આઠ વાગ્યાની આસપાસ ડીરેલમેન્ટ થયું હતું અને ત્યારબાદ ૧૦.૪૫થી ટ્રેનસેવાઓ ફરીથી નોર્મલ થઈ ગઈ હતી. જોકે. આ ઘટનાને લીધે રેલવે સ્ટેશનો પર પેસેન્જર્સની ભારે ભીડ જોવા મળી હતી.
સેન્ટ્રલ રેલવે દ્વારા ડીરેલ થઈ ગયેલ કોચને ફરીથી પાટા પર લાવવામાં આવ્યો છે. પરંતુ થોડા સમય માટે છત્રપતિ શિવાજી ટર્મિનસ (CSMT) તરફ આવતી ત્રણ લોકલ ટ્રેનો ઠાકુરલી અને કલ્યાણ સ્ટેશનો (Mumbai Local Train) પર ઊભી રાખવામાં આવી હતી. તે દરમિયાન ડીરેલ થઈ ગયેલ રેલવેના કોચને ફરીથી પાટા પર લાવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે કરવામાં આવ્યા હતા. આંશિક રીતે મુંબઈ-પૂણે રૂટ પર ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી. ખાસ કરીને તો કલ્યાણથી મુંબઈ તરફ જતી લોકલ ટ્રેનોનું સમયપત્રક ખોરવાઈ ગયું હતું. આ સાથે જ રેલવે વહીવટીતંત્રે જાહેરાત પણ કરી જ દીધી હતી કે થોડાક સમય માટે કોપર અને ઠાકુરલી સ્ટેશનની વચ્ચે કોઈ લોકલ ટ્રેન ઊભી રાખવામાં નહીં આવે. જેને કારણે પેસેન્જર્સને ડોમ્બિવલી સ્ટેશનથી ફાસ્ટ લોકલ પકડીને મુસાફરી કરવાની ફરજ પડી હતી. કલ્યાણથી દિવા દરમિયાન તમામ લોકલ ફાસ્ટ રુટ પર ચલાવવામાં આવી રહી હોવાની એનઉન્સમેન્ટ પણ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
રેલવે વહીવટીતંત્રે મુસાફરોને (Mumbai Local Train) એક એડવાઇઝરી આપીને જણાવ્યું હતું કે, "પરિસ્થિતિને ઠીક થવામાં થોડો સમય લાગી શકે એમ છે, તેથી મુસાફરોને સાવચેતી રાખવાની અને જો શક્ય હોય તો વૈકલ્પિક માર્ગો પસંદ કરીને આગળ વધવાની ભલામણ કરવામાં આવે છે. દરમિયાન, લોકલ ટ્રેનના સમયપત્રકમાં આખો દિવસ ક્યાંકને ક્યાંક થોડો વિક્ષેપ રહે તેવી અપેક્ષા છે. તેથી, ઘરેથી નીકળતા પહેલા, ટ્રેનના અપડેટ્સ જોઈ લેવા વિનંતી" જોકે, આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.