23 July, 2024 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માત કરનાર આઉડી કાર અને એણે જેને ટક્કર મારી એ બેમાંની એક રિક્ષા
વરલીમાં બનેલી હિટ ઍન્ડ રનની ઘટના હજી તાજી છે ત્યાં ગઈ કાલે મુલુંડ-વેસ્ટમાં ડમ્પિંગ રોડ પર બનેલી વધુ એક હિટ ઍન્ડ રનની ઘટનામાં ચાર જણ ઘાયલ થયા હતા. કાંજુરમાર્ગમાં રહેતા ૪૩ વર્ષના આઉડી કારના માલિક વિજય ગોરેએ દારૂ પીને કાર હંકારીને બે રિક્ષાને સામેથી ટક્કર મારી હતી, જેમાં બે રિક્ષા-ડ્રાઇવર અને બે પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માત કર્યા બાદ આઉડી કારનો ડ્રાઇવર ત્યાંથી નાસી ગયો હતો, પણ પછીથી તેની ધરપકડ કરવામાં આવી હતી એમ જણાવતાં મુલુંડના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સવાછ વાગ્યે ડમ્પિંગ રોડ પર પાંચ રસ્તા તરફથી આવી રહેલી આઉડી કારે સ્મશાનભૂમિ નજીક સામેની લેનમાં આવી રહેલી એક રિક્ષાને જોરદાર ટક્કર મારતાં એ રિક્ષા બીજી રિક્ષાને અથડાઈ હતી, જેમાં બન્ને રિક્ષાચાલક અને અંદર બેસેલા બે પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જોકે ત્યાં ભેગા થયેલા લોકોએ બન્નેને મુલુંડની સરકારી હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. એ સમયે કારચાલક ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવાને બદલે ત્યાંથી નાસી ગયો હતો. તેને શોધવા માટે પોલીસની વિવિધ ટીમ બનાવવામાં આવી હતી અને ત્રણેક કલાકમાં કાંજુરમાર્ગની રુણવાલ ફૉરેસ્ટ સોસાયટીમાં રહેતા કારમાલિક વિજય ગોરેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અમારા અધિકારીઓ તેને લેવા ગયા ત્યારે તેના મોઢામાંથી દારૂની વાસ આવતી હોવાથી તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું, જેમાં તેણે દારૂ પીધેલી હાલતમાં ઍક્સિડન્ડ કર્યો હોવાનો ખુલાસો થયો છે.’
મુલુંડની સરકારી હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. અકસ્માતમાં રિક્ષાને ઘણું નુકસાન થયું હતું. મુલુંડના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં ૪૬ વર્ષના પ્રકાશ જાધવ, ૫૭ વર્ષના હેમંત ચવાણ, ૪૯ વર્ષના સંતોષ વાલેકર, ૨૬ વર્ષના વિવેક જાયસવાલને ઈજા થઈ છે.’