16 September, 2026 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai Crime: નાલાસોપારામાંથી અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક કમેન્ટને લઈને મોટો વિવાદ જન્મ્યો અને વસઈ-વિરાર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન (VVCMC)ના શિવસેનાનાં નગરસેવિકાએ એક યુવકને ઢોર માર મરાવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર વોર્ડ નંબર ૧૮ના શિવસેના પક્ષનાં કોર્પોરેટર હેમલતા સિંહે પોતાના સાથીદારો પાસે એક યુવકને પિટાવ્યો હતો.
ધર્મેન્દ્ર વિશ્વકર્મા નામના એક શખ્સે શિવસેનાનાં કોર્પોરેટર હેમલતા સિંહની એક ફેસબુક પોસ્ટ પર વિવાદાસ્પદ કમેન્ટ (Mumbai Crime) કરી હતી. વિશ્વકર્માએ જણાવ્યું કે મેં હેમલતા સિંહની પોસ્ટ પર કમેન્ટ કર્યા બાદ અર્જુન દુબેએ મને હૉટલમાં મળવા માટે બોલાવ્યો હતો. હું ત્યાં પહોંચ્યો ત્યારે ઑલરેડી ત્યાં હેમલતા સિંહ અને તેમના સહયોગી અમરીશ પણ આવેલ હતા. મને રીતસરનો ધક્કો મારીને થપ્પડ ચોડી દીધો હતો. એ લોકો પાસે બાંબુની સોટીઓ હતી તેના વડે મને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મારી સોનાની ચેઈન અને આશરે ₹૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન પણ આંચકી લીધો હતો.
તુલિંજ પોલીસ સ્ટેશને આ મામલે ક્રોસ એફઆઈઆર ફેઇલ કરીને ગુનો દાખલ (Mumbai Crime) કર્યો છે. આ સાથે જ પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે અને પીડિત ધર્મેન્દ્ર વિશ્વકર્મા અને કોર્પોરેટરના સહયોગી મનીષ સિંહની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ સમગ્ર કેસનો મેઈન આરોપી શિવસેનાનાં કોર્પોરેટર હેમલતા સિંહ અને અન્ય શંકાસ્પદો ફરાર થઈ ગયા છે.પોલીસ તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવીને શોધખોળ ચલાવી રહી છે.
નોંધનીય છે કે પાલઘરમાં રાજકીય નેતાઓ અને તેમના સમર્થકો દ્વારા હિંસાની આ પહેલી ઘટના નથી. આ અગાઉ દહી-હાંડી ઉત્સવ દરમિયાન એક ખાનગી હોસ્પિટલમાં `ગોવિંદા`ની સારવાર મુદ્દે હોસ્પિટલ સ્ટાફ પર હુમલો કરવાના આરોપસર શિવસેનાના પાલઘર શહેર પ્રમુખ રાહુલ ઘરાત અને શિવસેના વિધાયક રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત સહિત ચૌદથી વધુ લોકોની ધરપકડ (Mumbai Crime) કરવામાં આવી હતી. ૬ઠી જુલાઈના રોજ થાણે જિલ્લાના કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) ના શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને તેમના સહયોગીઓએ ડોમ્બિવલીની શાસ્ત્રી નગર હોસ્પિટલમાં એક દર્દીની સારવારમાં થયેલ વિલંબને લઈને ડૉક્ટરો અને અન્ય સ્ટાફ પર કથિત રીતે હુમલો કર્યો હતો. મ્હાત્રે અને અન્ય ચાર લોકો પર ભારતીય ન્યાય સંહિતા (બી. એન. એસ.) હેઠળ હુમલો, ઈજા પહોંચાડવા, ગેરકાયદેસર રીતે ભેગા થવા, રમખાણો, ગુનાહિત ધમકી, ઇરાદાપૂર્વકનું અપમાન, મહિલાની નમ્રતાને ઠેસ પહોંચાડવા અને સરકારી કર્મચારીઓને તેમની ફરજો નિભાવવામાં અવરોધ લાવવા બદલ આરોપ મૂકવામાં આવ્યો હતો.