25 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનિલ અંબાણીની ફાઇલ તસવીર
૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન યસ બેંક (YES Bank)માંથી ૩,૦૦૦ કરોડ રૂપિયાની લોનના કથિત ગેરરીતિની પ્રાથમિક તપાસ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate - ED)એ અનિલ અંબાણી (Anil Ambani) સાથે જોડાયેલી કંપનીઓ પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ (Reliance Group) સાથે સંકળાયેલા ૩૫થી વધુ સ્થળો અને ૫૦ કંપનીઓ પર ઇડીએ દરોડા પાડ્યા છે. ગુરુવાર, ૨૪ જુલાઈના રોજ પાડવામાં આવેલ આ દરોડા દિલ્હી (Delhi) અને મુંબઈ (Mumbai)માં ચાલી રહ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના અનેક પરિસરોમાં દરોડા પાડ્યા હતા. ED એ યસ બેંક પર પણ દરોડા પાડ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ, મુંબઈ અને દિલ્હીમાં ૫૦ કંપનીઓના ૩૫થી વધુ પરિસર અને લગભગ ૨૫ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે.
EDના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુંબઈ અને દિલ્હીમાં 50 કંપનીઓના ૩૫થી વધુ પરિસર અને લગભગ ૨૫ વ્યક્તિઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૯ વચ્ચે યસ બેંકમાંથી લગભગ 3,000 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપોની તપાસ કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, EDને જાણવા મળ્યું છે કે લોન આપવામાં આવે તે પહેલાં, યસ બેંકના પ્રમોટરોને તેમના વ્યવસાયમાં પૈસા મળ્યા હતા. તેથી જ એજન્સી લાંચ અને લોનના આ કેસની તપાસ કરી રહી છે. યસ બેંક દ્વારા અનિલ અંબાણી જૂથની કંપનીઓને લોન મંજૂર કરવામાં ‘ગંભીર ઉલ્લંઘન’ના આરોપોની કેન્દ્રીય એજન્સી તપાસ કરી રહી છે.
EDના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર મની લોન્ડરિંગનો આ કેસ બેંકો, શેરધારકો, રોકાણકારો અને નાણાકીય સંસ્થાઓને ગેરમાર્ગે દોરીને જાહેર નાણાંનો દુરુપયોગ કરવાની સુનિયોજિત યોજનાનો ભાગ હતો. તપાસમાં જાણવા મળ્યું કે લોન મંજૂર થાય તે પહેલાં, યસ બેંકના પ્રમોટરોએ તેમના પોતાના જૂથના એકમોમાં પૈસા મેળવ્યા હતા, જેનાથી લાંચ અને ભ્રષ્ટાચારનો ગંભીર કેસ બહાર આવ્યો.
આ મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case) ઓછામાં ઓછી બે સીબીઆઈ (Central Bureau of Investigation - CBI) એફઆઈઆર અને નેશનલ હાઉસિંગ બેંક (National Housing Bank), સેબી (SEBI), નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (National Financial Reporting Authority - NFRA) અને બેંક ઓફ બરોડા (Bank of Baroda) દ્વારા શેર કરાયેલા અહેવાલોમાંથી ઉદ્ભવ્યો છે.
દરોડાના સમાચાર બાદ, અનિલ અંબાણીની બે મોટી કંપનીઓ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરના શેર પાંચ ટકા સુધી ઘટ્યા.
આ સિવાય થોડા દિવસો પહેલા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને "ફ્રોડ" જાહેર કર્યા હતા. SBIનું કહેવું છે કે, RComએ બેંકમાંથી લીધેલા ૩૧,૫૮૦ કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો. આમાંથી લગભગ ૧૩,૬૬૭ કરોડ રૂપિયા અન્ય કંપનીઓની લોન ચૂકવવામાં ખર્ચવામાં આવ્યા હતા. ૧૨,૬૯૨ કરોડ રૂપિયા રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. SBIએ ડિસેમ્બર ૨૦૨૩, માર્ચ ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪માં કંપનીને કારણદર્શક નોટિસ મોકલી હતી. કંપનીના જવાબની સમીક્ષા કર્યા પછી, બેંકે કહ્યું હતું કે અનિલ અંબાણીની કંપનીએ તેની લોનની શરતોનું પાલન કર્યું નથી અને તેના ખાતાઓના સંચાલનમાં થયેલી અનિયમિતતાઓ વિશે સંપૂર્ણ માહિતી આપી નથી.
યસ બેંકના અધિકારીઓ, ગ્રુપ કંપનીઓ અને અનિલ અંબાણીના વ્યવસાયિક સામ્રાજ્ય સાથે જોડાયેલી નાણાકીય અનિયમિતતાઓ વચ્ચેના સંબંધો શોધવા માટે ED સતત તપાસ કરી રહી છે.