બારનું નામ કેમ છો? : ન ચાલે

09 May, 2023 08:27 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

ગુજરાતીઓને આકર્ષવા માટે હાઇવે પર મીરા રોડના કાશીમીરામાં ગુજરાતીમાં ખબરઅંતર પૂછતા નામની હોટેલ શરૂ કરીને જાણે ગુજરાતીઓ જ દારૂડિયા હોય એવી છાપ ઊભી કરાઈ છે : આવું અપમાન સાંખી ન લેવાય

હાઇવે પર કાશીમીરા અને ઠાકુર મૉલની વચ્ચે આવેલી કેમ છો? હોટેલ

ગુજરાતીઓ કમાવાની સાથે રૂપિયા ખર્ચ કરવાનું પણ જાણે છે એટલે દેશ-દુનિયાના કોઈ પણ હિલ સ્ટેશન કે હોટેલોમાં ગુજરાતીઓની સંખ્યા વધારે જોવા મળે છે. હિલ સ્ટેશનોમાં ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને જ હોટેલોનું મેનુ તૈયાર કરવામાં આવે છે તો મોટા ભાગની હોટેલોમાં ગુજરાતીઓની વાનગી હોય જ છે. એક હોટેલમાલિકે તો આખેઆખી હોટેલનું નામ જ ગુજરાતી શબ્દ ઉપરથી રાખ્યું છે જે બધાનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આ હોટેલનું નામ છે કેમ છો?

વાંચીને ચોંકી ગયાને? આવું તે કોઈ નામ રાખતું હશે? હોટેલોમાં કાઠિયાવાડી કે બીજી ગુજરાતી વાનગીઓ પીરસાતી હોય, પણ આખેઆખી હોટેલનું આવું નામ કોઈ ન રાખે. મોટા ભાગના લોકોનો આવો મત છે, પણ હકીકત એ છે કે મીરા રોડમાં હાઇવે પર ઠાકુર મૉલ અને કાશીમીરાની વચ્ચેના ભાગમાં કેમ છો? નામની હોટેલ તાજેતરમાં શરૂ થઈ છે. ગુજરાતીમાં ખબરઅંતર પુછાતું હોય એવા નામની હોટેલ ખૂલી હોવાની જાણ થયા બાદ માત્ર નામ સાંભળીને અહીં ગુજરાતીઓના આંટાફેરા વધી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

કાશીમીરાથી દહિસર ચેકનાકા તરફ જઈએ ત્યારે સર્વિસ રોડના ડાબા હાથ પર ગુજરાતીમાં ખબરઅંતર પૂછતી હોય એવી હોટેલ શરૂ કરવામાં આવી છે, જેનું બોર્ડ જોઈને લોકોને આશ્ચર્ય થયું છે. હોટેલના બોર્ડમાં ડાબે મોટા અક્ષરમાં મરાઠીમાં કેમ છો? વચ્ચે નાના અક્ષરમાં અંગ્રેજીમાં ધ બાર અને જમણે મોટા અક્ષરમાં ગુજરાતીમાં કેમ છો? લખવામાં આવ્યું છે.

આવું નામ કેમ રાખ્યું?

હોટેલ અને બારનું આવું નામ રાખવાની પ્રેરણા ક્યાંથી મળી? જવાબમાં કેમ છો? હોટેલના માલિક રાકેશ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડાંક વર્ષ પહેલાં ઉસને બોલા કેમ છે... મૈંને બોલા એમ છે... નીંદ નહીં આતી હૈ રાતો મેં... આ તો પ્રેમ છે, પ્રેમ છે... ગીત ખૂબ હિટ થયું હતું. મારા મગજમાં આ ગીત સતત ગુંજે છે. કાશીમીરા વિસ્તારમાં મોટા ભાગની હોટેલોમાં આવતા ગ્રાહકો ગુજરાતીઓ જ હોય છે. આથી એક મહિના પહેલાં જ્યારે અમે આ હોટેલ શરૂ કરી હતી ત્યારે એનું નામ કેમ છો? રાખવાનો નિર્ણય લીધો હતો. અમારી હોટેલમાં ૮૦ ટકા કસ્ટમર ગુજરાતી જ છે. તેમને આ નામ ખૂબ પસંદ આવ્યું છે. મારા પાર્ટનર નીલેશ પટેલ પણ ગુજરાતી છે. તેને પણ આવું નામ ગમ્યું છે અને તે કસ્ટમર સાથે ગુજરાતીમાં વાત કરીને તેમને કોઈ ફરમાઇશ હોય તો મદદ કરે છે.’

કાશીમીરા ડ્રિન્કરોનું હબ

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલા કાશીમીરા વિસ્તારમાં પચીસ જેટલાં બાર અને રેસ્ટોરાં આવેલાં છે. વર્ષોથી અહીં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ગુજરાતીઓ ડ્રિન્ક કરવા માટે આવે છે એટલે આ વિસ્તાર ગુજરાતી ડ્રિન્કરોનું હબ બની ગયું છે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂના શોખીનો મુંબઈમાં કામધંધો કરવાની સાથે છાંટોપાણી કરી લેતા હોય છે. આ ગુજરાતી કસ્ટમરોને જ પોતાની તરફ ખેંચવા માટે રાકેશ શેટ્ટીએ પોતાની હોટેલનું નામ કેમ છો? રાખ્યું છે. આવું નામ રાખવાથી તેમને થોડો ફાયદો પણ થયો હોવાનું તેમણે કહ્યું હતું.

હોટેલ તોડી પડાઈ હતી

કેમ છો? બાર અત્યારે જ્યાં છે એ જગ્યાએ પહેલાં મેડનેસ નામની હોટેલ હતી, જેમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળ્યા બાદ મીરા ભાઈંદરના સ્થાનિક પ્રશાસને ત્રણેક વર્ષ પહેલાં એ તોડી નાંખી હતી. ત્યાર બાદ હોટેલની જમીનના માલિકે સુધરાઈ પાસેથી પરવાનગી મેળવીને ફરીથી હોટેલ બાંધવામાં આવી હોવાનું કેમ છો? હોટેલના માલિક રાકેશ શેટ્ટીએ કહ્યું હતું.

ગુજરાતીઓ શું કહે છે?

આવું નામ થોડી રખાય : સતીશ લિંબચિયા,  મીરા રોડ

બારનું આવું નામ રાખવાથી એવું લાગે છે કે માત્ર ગુજરાતીઓ જ દારૂ પીએ છે. જે વિસ્તારમાં આ હોટેલ ખૂલી છે ત્યાં ગુજરાતના વાપી, વલસાડ અને સુરતથી મોટા પ્રમાણમાં ગુજરાતીઓ આવે છે. આથી તેમને આકર્ષવા માટે આવું નામ આપ્યું હશે. આમ જોવા જઈએ તો નામથી કોઈ ફરક નથી પડતો, પણ આ પ્રકારના નામથી ખોટો મેસેજ જાય છે. એટલે મને લાગે છે કે કોઈએ ઍટ લીસ્ટ બાર સાથે ગુજરાતીઓની બદનામી થાય એવું નામ ન રાખવું જોઈએ.

ગુજરાતીઓ થકી જ ધંધો ચાલે : કમલ દોશી,  બોરીવલી

દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ગુજરાતીઓ થકી જ મોટા ભાગના ધંધા ચાલે છે. હોટેલના માલિક કદાચ આ વાત સારી રીતે જાણતા હશે એટલે તેમણે ગુજરાતીઓને એક વાર તેમની હોટેલની મુલાકાત કરવા લલચાવવા માટે ‘કેમ છો?’ નામ આપ્યું હશે. આજકાલ નવા પ્રકારનાં નામ અને કન્સેપ્ટ ઇનથિંગ છે. આથી આ આઇડિયા બહુ સારો છે. બાકી ગુજરાતી નામ હોય કે ન હોય, બારમાં બધા જ લોકો આવે છે. મને તો આ બહુ સારો આઇડિયા લાગ્યો.

ગુજરાતીઓનું અપમાન છે : દર્શના રાઠોડ, મુલુંડ

ગુજરાતીઓનું નામ કોઈ બાર સાથે જોડાય એ બરાબર નથી. મ છો? તો આપણે ખબરઅંતર પૂછવા માટે બોલતા હોઈએ છીએ. અહીં તો લોકોને દારૂ પીવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોય એવું લાગે છે. બીજું, આવું નામ આપવાથી એમ લાગે છે જાણે ગુજરાતીઓ જ સૌથી વધુ દારૂ પીએ છે.

mumbai mumbai news mira road dahisar western express highway prakash bambhrolia