25 November, 2026 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા-ભાઈંદરમાં ઈ-બસ ચાલશે
મીરા-ભાઈંદરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસને મજબૂત કરવા અને ઍર-પૉલ્યુશન ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ને તાજેતરમાં કેન્દ્ર સરકારની પ્રાઇમ મિનિસ્ટર e-બસ સેવા યોજના હેઠળ મંજૂર કરાયેલી ૧૦૫ ઇલેક્ટ્રિક બસોમાંથી ૪૨ ઍર-કન્ડિશન્ડ મિડી ઇલેક્ટ્રિક બસો મળી છે. બાકીની ૬૩ મોટી e-બસો પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પર્યાવરણને અનુકૂળ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ મહારાષ્ટ્રને સૌથી વધુ ૧૩૪૦ e-બસો મંજૂર કરી છે. આ તમામ બસો ગ્રૉસ કૉસ્ટ કૉન્ટ્રૅક્ટના ધોરણે ચલાવવામાં આવશે. આ મૉડલ હેઠળ મુસાફરોની ટિકિટમાંથી થતી આવક મ્યુનિસિપલ કૉર્પોરેશનને મળશે, જ્યારે કૉન્ટ્રૅક્ટર બસોનું સંચાલન કરવા, ડ્રાઇવરો અને ટેક્નિશ્યનોના પગાર ચૂકવવા તેમ જ મેઇન્ટેનન્સ અને રિપેરની જવાબદારી સંભાળશે.