23 March, 2025 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) વિસ્તારમાં આવેલી સુબોધા કંપનીમાં શુક્રવારે રાતે આગ ફાટી નીકળી
નવી મુંબઈના શિરવણેના મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) વિસ્તારમાં આવેલી સુબોધા કંપનીમાં શુક્રવારે રાતે આગ ફાટી નીકળી હતી, જે આખી રાત ભભૂકતી રહી હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘કંપનીમાં ઇલેક્ટ્રિક વાયરિંગ માટેનું ઇન્સ્યુલેશન મટીરિયલ, એપોક્સી પ્રોડક્ટ્સ (ગમ, ગુંદર અને એ પ્રકારની પ્રોડક્ટ્સ), ફાઇબર અને પ્લાસ્ટિકની ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ બને છે એથી જલદી સળગી ઊઠે એવું ઘણુંબધું મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. આગનો વ્યાપ જોતાં નવી મુંબઈનાં ચાર અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી ફાયર એન્જિન બોલાવવામાં આવ્યાં હતાં. ફાયરબ્રિગેડ દ્વારા એ આગ આજુબાજુના અન્ય ગાળામાં ન ફેલાય એ માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા હતા. આગમાં રૉ મટીરિયલ, ફિનિશ્ડ સ્ટૉક અને મશીનરી પણ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નહોતી.