17 April, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)ના વિવિધ ભાગોમાં હવામાનમાં અચાનક ફેરફાર (Maharashtra Weather Updates) થવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે અનેક જિલ્લાઓ માટે `યલો એલર્ટ` (Yellow alert in Maharashtra) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં રાજ્યમાં વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની શક્યતા દર્શાવે છે. રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પવનની ગતિ વધવા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના હોવાથી સ્થાનિક રહેવાસીઓને સાવચેત રહેવા જણાવાયું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા શુક્રવારે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે `યલો એલર્ટ` જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે વહેલી સવારે લાતુર (Latur), નાસિક (Nashik), પાલઘર (Palghar), રાયગઢ (Raigad), રત્નાગિરી (Ratnagiri) અને સાતારા (Satara) જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેને પગલે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
શુક્રવારે સવારે ૭.૦૦ વાગ્યે કરવામાં આવેલી આગાહીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હવામાનની આ અસાધારણ સ્થિતિ આગામી ત્રણ કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા છે. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાંની સાથે હવામાન વિભાગે આ વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તેજ પવનની પણ આગાહી કરી છે.
વીજળી અને તેજ પવનને કારણે ઊભા થતા જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને, ખાસ કરીને મુસાફરી કરતી વખતે અથવા ઘરની બહારની પ્રવૃત્તિઓ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે.
યલો એલર્ટનો અર્થ એ છે કે, લોકોએ સાવધ રહેવું જોઈએ અને હવામાનની સ્થિતિ અંગે સતત માહિતગાર રહેવું જોઈએ.
હવામાન વિભાગ આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોને હવામાનમાં આવતા કોઈપણ ફેરફાર માટે સત્તાવાર અપડેટ્સ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી હીટવેવ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે સપ્તાહના અંતે આ વરસાદી માહોલ ગરમીમાં થોડો ઘટાડો કરીને વાતાવરણમાં ઠંડક લાવી શકે છે.
મહારાષ્ટ્રમાં અત્યારે અલગ-અલગ વિસ્તારોમાં ગરમીના ત્રણ અલગ અલગ પ્રકાર જોવા મળી રહ્યા છે. વિદર્ભ (Vidarbha) પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ ગરમીનો સામનો કરી રહ્યો છે, જ્યાં અકોલા (Akola) અને અમરાવતી (Amravati)માં તાપમાન ૪૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સમગ્ર રાજ્ય અને દેશમાં સૌથી વધુ છે. આ સિવાય વર્ધા (Wardha)માં ૪૪.૦ ડિગ્રી અને અન્ય કેટલાક શહેરોમાં ૪૩ ડિગ્રીથી વધુ તાપમાન સાથે વરસાદનો અભાવ જોવા મળ્યો છે. મરાઠવાડા (Marathwada)માં ગરમીનું પ્રમાણ થોડું ઓછું હોવા છતાં સ્થિતિ ગંભીર છે, જ્યાં પરભણી (Parbhani)માં સૌથી વધુ ૪૨.૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બીજી તરફ મુંબઈ (Mumbai), કોંકણ (Konkan) અને પુણે (Pune)માં તાપમાન પ્રમાણમાં નીચું રહ્યું છે. મુંબઈમાં તાપમાન ૩૩ ડિગ્રીની આસપાસ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩૧.૫ થી ૩૩.૧ ડિગ્રી વચ્ચે નોંધાયું છે, પરંતુ ૬૫ થી ૮૦ ટકા જેટલા ઊંચા ભેજને કારણે ત્યાં લોકો અકળામણ અનુભવી રહ્યા છે, જ્યારે પુણે (Pune)માં તાપમાન ૩૯.૭ ડિગ્રી નોંધાયું છે.