28 May, 2024 01:25 PM IST | Mumbai | Rohit Parikh
નાલાસોપારાના તારાચંદ વીંછીવોરા તેમની પત્ની અને પુત્રી સાથે
ભણવાની કોઈ ઉંમર નથી હોતી. નાલાસોપારાના પ્રોવિઝન સ્ટોરના ૪૯ વર્ષના માલિક તારાચંદ વીંછીવોરા (વિકમણી)અે ગુજરાતી મીડિયમમાં નવમી પાસ કર્યાનાં ૩૩ વર્ષ પછી તેમની દીકરી અને પત્નીની પ્રેરણાથી ઇંગ્લિશ મીડિયમમાં દસમા ધોરણની પરીક્ષા આપી હતી. ગઈ કાલે રિઝલ્ટ આવ્યું એમાં તારાચંદ વીંછીવોરાએ ૫૦૦માંથી બેસ્ટ ઑફ ફાઇવ પ્રમાણે ૨૯૫ માર્ક્સ સાથે ૫૯ ટકા મેળવ્યા છે. તેમને કૉમર્સ ક્ષેત્રમાં આગળ ભણવું છે. આ પહેલાં તેમની ૧૬ વર્ષની પુત્રી ખુશી વિકમણીએ CBSE બોર્ડમાં ૫૦૦માંથી ૨૯૮ માર્ક્સ સાથે ૫૯.૬ ટકા મેળવ્યા હતા. તેને ભવિષ્યમાં આર્ટ્સ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા છે.
કચ્છી વીસા ઓસવાળ જૈન તારાચંદે નવમા ધોરણની પરીક્ષા ૧૯૯૧માં પાસ કરી હતી. એ સમયે તેઓ સાઉથ મુંબઈની બજારગેટ સ્ટ્રીટમાં રહેતા હતા. નવમા ધોરણ પછી સંજોગવશાત્ તેમનાં માતા-પિતા સાથેનો પરિવાર નાલાસોપારા શિફટ થયો હતો. ત્યાં તેમના પિતા ભાણજી વીંછીવોરાએ પ્રોવિઝન સ્ટોર શરૂ કર્યો હતો. એ સમયે દુકાનમાં ખૂબ જ ઘરાકી રહેતી હતી. તેથી તારાચંદ પણ દુકાનમાં તેમના પિતાને સાથ આપવા લાગ્યા હતા.
આ બાબતની માહિતી આપતાં તારાચંદ વીંછીવોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાતના મોડે સુધી દુકાનમાં બિઝી રહેતો હોવાથી મારા માટે છેક મુંબઈ સુધી ભણવા જવું શક્ય નહોતું. આથી મેં ભણવાનું મૂકી દીધું હતું. મારે ૨૫ વર્ષનો પુત્ર પણ છે. મારી પુત્રી ખુશી દસમા ધોરણમાં આવી એટલે તેણે મને કહ્યું કે પપ્પા, હું દસમા ધોરણની એક્ઝામ આપી રહી છું, તમે પણ મારી સાથે દસમા ધોરણની એક્ઝામ આપો. તેની સાથે મારી પત્ની છાયા પણ જોડાઈ હતી. છાયા BA ગ્રૅજ્યુએટ છે અને સામાજિક કાર્યકર છે. તેને મને કહ્યું કે આ સારો મોકો છે, તમે પણ દસમા ધોરણની પરીક્ષા આપી દો.’
મા-દીકરીની લાગણી અને પ્રેરણાથી મેં પણ દસમા ધોરણની પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો એમ જણાવતાં તારાચંદે કહ્યું હતું કે ‘મારા જ બિલ્ડિંગમાં એક પ્રોફેસર રહે છે. તેઓ પ્રાઇવેટ ક્લાસિસ ચલાવે છે. તેમણે મને ફૉર્મ ભરી આપવામાં સહાયતા કરી હતી. એ પછી મેં ભણવાની શરૂઆત કરી. હું રાતના દુકાન મારા ભાણેજને સોંપીને વહેલો ઘરે આવી જતો. પહેલાં મેં લખવાની પ્રૅક્ટિસ શરૂ કરી હતી. રાતના ૮.૩૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી અને સવારે ૫.૩૦ વાગ્યાથી ૯.૩૦ વાગ્યા સુધી મારી પત્ની અને મારી દીકરીના સપોર્ટથી ભણવાનું શરૂ કર્યું હતું. સવારે ૧૦ વાગ્યાથી રાતના ૮.૩૦ વાગ્યા સુધી મારી દુકાન સંભાળતો હતો. પરીક્ષાના સમયે આખો દિવસ ચોપડીઓ અને ગાઇડ વાંચતો હતો. એ સમયે મારી પત્ની અને પુત્રી મને શું વાંચવું, કેવી રીતે વાંચવું એનું માર્ગદર્શન આપતાં હતાં. આમ મારી પત્ની અને પુત્રીના સાથ અને સહકારથી ગઈ કાલે હું ૫૯ ટકા લાવવામાં સફળ થયો હતો. આનું સંપૂર્ણ શ્રેય મા-દીકરીને જાય છે.’