25 January, 2025 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે ભારતમાં ઘૂસી આવેલા બંગલાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોના બોગસ ડૉક્યુમેન્ટ્સ બનાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ ડૉક્યુમેન્ટ બનાવવા માટે બર્થ સર્ટિફિકેટ જરૂરી છે. આથી મહારાષ્ટ્ર સરકારે મોટી ઉંમરના લોકો બર્થ સર્ટિફિકેટ બનાવવા માટેની અરજી કરે તો એનો નિકાલ ન કરવાનો એટલે કે આ બાબતે તપાસ કરી રહેલી કમિટીની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બર્થ સર્ટિફિકેટ જારી ન કરવાનો આદેશ ગઈ કાલે રાજ્યના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને તહસીલદારોને આપ્યો છે.
આ વિશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘રાજ્યના મુંબઈ, થાણે, માલેગાવ, અમરાવતી અને શિર્ડી સહિતના ૨૦ જિલ્લામાં કેટલાક લોકો દ્વારા ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બંગલાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોના બોગસ બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે અરજી કરવામાં આવી રહી છે. ૨૦ જિલ્લાના ૨૦ તાલુકામાં મોટા પ્રમાણમાં આવી અરજીઓ કરવામાં આવી હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. આથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મોટી ઉંમરે બર્થ સર્ટિફિકેટ મેળવવા માટેની અરજીઓની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે બંધ કરવાની માગણી કરતો પત્ર લખ્યો હતો. મુખ્ય પ્રધાને મામલાની ગંભીરતાને જોઈને તાત્કાલિક મારી માગણી માન્ય રાખી છે.’