23 July, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉમ્બે હાઈકૉર્ટ (ફાઈલ તસવીર)
Mumbai Train Blast: 2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મામલે મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઈકૉર્ટના નિર્ણયને સુપ્રીમ કૉર્ટમાં પડકારવામાં આવ્યો છે. બ્લાસ્ટમાં 180થી વધારે લોકો માર્યા ગયા હતા.
2006ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મામલે દેવેન્દ્ર ફડણવીસ સરકારે સુપ્રીમ કૉર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઈકૉર્ટના નિર્ણયને પડકાર્યો છે. રાજ્ય સરકાર તરફથી હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે જજ સાહેબ, આ કેસ રાજ્ય સરકાર માટે ખૂબ જ મહત્ત્વનો છે. આથી આ મામલે સુનાવણી કરવામાં આવે. ત્યાર બાદ સુપ્રીમ કૉર્ટ આ મામલે સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ. સુપ્રીમ કૉર્ટ આ મામલે સુનાવણી 24 જુલાઈના રોજ કરશે.
હકીકતે, ગઈકાલે એટલે કે સોમવારે બૉમ્બે હાઈકોર્ટની ખાસ ટાડા કોર્ટે દોષિત ઠેરવેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તે વિસ્ફોટોમાં 180થી વધુ લોકો માર્યા ગયા હતા. 11 જુલાઈ, 2006 ના રોજ, વેસ્ટર્ન લાઇન પર વિવિધ સ્થળોએ મુંબઈની અનેક લોકલ ટ્રેનોમાં સાત વિસ્ફોટ થયા હતા, જેમાં 180થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
બૉમ્બે હાઈકોર્ટે 19 વર્ષ પછી સોમવારે તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને કહ્યું હતું કે ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને `એવું માનવું મુશ્કેલ છે કે તેમણે ગુનો કર્યો છે.` ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ શ્યામ ચાંડકની ખાસ બૅન્ચે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બૉમ્બના પ્રકારને રેકોર્ડ પર લાવવામાં પણ નિષ્ફળ ગયો હતો અને જે પુરાવા પર તેણે આધાર રાખ્યો છે તે આરોપીઓને દોષિત ઠેરવવા માટે નિર્ણાયક નથી.
બૉમ્બે હાઈકોર્ટે શું નિર્ણય આપ્યો?
તમને જણાવી દઈએ કે, વર્ષ 2006માં મુંબઈ લોકલ ટ્રેનોમાં એક પછી એક થયેલા બૉમ્બ વિસ્ફોટોના કેસમાં બૉમ્બે હાઈકોર્ટે સોમવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે તેમને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પેશિયલ ટાડા કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આમાંથી 5 ને મૃત્યુદંડ અને 7 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મામલે આપવામાં આવેલા નિર્ણયને સુપ્રીમ કૉર્ટમાં પડકારવામાં આવ્યો છે.
આ નિર્ણય 19 વર્ષ પછી આવ્યો છે. ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ એસ. ચાંડકની ડિવિઝન બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓનો કોઈ નક્કર આધાર નથી. કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા.
શું છે આ મામલો?
આ કેસ 11 જુલાઈ 2006નો છે, જ્યારે સાંજે માત્ર 11 મિનિટમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં સાત અલગ અલગ સ્થળોએ શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 827 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. નવેમ્બર 2006 માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ પછી, 2015 માં, ટ્રાયલ કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાં 5 ને મૃત્યુદંડ અને 7 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, આરોપીઓએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.