જીવના જોખમે ગાયમાતાની રક્ષા માટે યુદ્ધે ચડેલા સેવકોનું થયું અનોખું સન્માન

08 June, 2026 07:07 AM IST  |  Mumbai | Ruchita Shah

કાંદિવલીમાં યોજાયેલા ખાસ સમારંભમાં ગૌરક્ષા માટે લોકહૃદયમાં રહેલી જ્વલંત જ્યોતનો અનોખો પરચો જોવા મળ્યો. એક તરફ દાનની સરવાણી હતી તો બીજી બાજુ તન, મન અને ધનથી ન્યોછાવર થવાની ઉદાત્ત ભાવના

સન્માનિત થયેલા ગૌરક્ષકો

‘ડોંગરે મહારાજ કહેતા કે ગાયોની સેવા ક્યારેય અબાધ જતી નથી. આજે શહેરી જીવનની વ્યસ્તતા વચ્ચે પણ લોકો ગાયની ચિંતા કરે છે અને ગાય માટે તન-મન-ધન આપવા તૈયાર છે એ વાતનો આનંદ છે. તમે તમારા ઘરે રહીને પણ ગૌમાતાની સેવા કરી શકો છો. ગાય માતાનાં છાણ-મૂત્ર વગેરેના ઉપયોગથી બનતી વસ્તુઓનો ઉપયોગ કરો, તમારી આસપાસ રહેલા લોકોને ગૌમાતાના મહત્ત્વથી માહિતગાર કરો, તમારાં સંતાનોને ગૌશાળામાં ફેરવીને એમની સ્થિતિથી પરિચિત કરાવો એ બધું જ ગૌમાતાની સેવા છે.’
 
વર્ષો સુધી પૂજ્ય શ્રી ડોંગરે મહારાજ સાથે રહેલા લોહાણા સમાજના અગ્રણી સંત પૂજ્ય નારાયણ ભગતના આ શબ્દો છે. કાંદિવલીના શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમના બૅન્ક્વેટ હૉલમાં શ્રી હાલાઈ લોહાણા મહાજન અને શ્રી ગોસેવા ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રના ગૌસેવકોનું અનોખું મિલન ગઈ કાલે યોજાયું અને વાતાવરણમાં ગાયમાતા પ્રત્યેની સંવેદનાઓનો અનોખો ચમકાર દેખાઈ રહ્યો. આ વિશેષ સંમેલનમાં ધ્યાન ફાઉન્ડેશન, વર્ધમાન સંસ્કારધામ, મહેશ્વરી ચૅરિટેબલ ટ્રસ્ટ, મર્સી ફાઉન્ડેશન જેવી અગ્રણી જીવદયા સંસ્થાઓ ઉપરાંત મહારાષ્ટ્રની ગૌશાળાઓના અગ્રણીઓ અને લાતુર, સોલાપુર, યવતમાળ, નાંદેડ આ ચાર ડિસ્ટ્રિક્ટના જુદા-જુદા ઠેકાણે રહેતા ગૌરક્ષકો હાજર રહ્યા હતા. ૨૩ ગૌરક્ષકો અને પાંચ વકીલોનું આ કાર્યક્રમમાં વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું જેમણે ગાયની સેવામાં પોતાના જીવની પરવા નથી કરી. વકીલોની ટીમ જેઓ કાયદાકીય દૃષ્ટિએ કતલખાને જતી ગાયોની રક્ષા કરવા માટે ખડેપગે કામ કરે છે એમાંથી અગ્રણી એવા રાજુ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાયદામાં આપણે ત્યાં હજી પણ ગાયમાતાની રક્ષા માટેના નિયમો એટલા સ્ટ્રૉન્ગ નથી. બીજી બાજુ સરકારનું વલણ પણ થોડુંક નરમ છે. જોકે તમને કહીશ કે જેનો ડેટા અત્યારે અમારી પાસે છે એવા છેલ્લાં ૩ વર્ષમાં ૩૫૦૦ કેસ અમે લડ્યા છીએ જેમાં દરેક કેસમાં આપણો વિજય થયો છે અને ગાયમાતાને આપણે કસાઈ પાસેથી બચાવી શક્યા છીએ.’
 
ગૌસેવા ચૅરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર યોગેશ માણેક, શૈલેષ અભાણી અને બિપિન મોદીએ આ આયોજનના ઉદ્દેશ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘નારાયણભાઈ ભગત અને બાબુભાઈ ઘીવાળાને અમે ગાયોની રક્ષા માટે જીવના જોખમે પોતાની બધી જ અગવડો ભૂલીને ભાગતા જોયા છે. ગાયમાતા માટે સતત પોતાનું બધું દાવ પર લગાવનારા લોકોનું સન્માન એ ગાયમાતાનું સન્માન છે. ગયા મહિને ૨૩ વર્ષનો એક ગૌરક્ષક શહીદ થઈ ગયો. છેલ્લાં ૩ વર્ષમાં ૩ ગૌરક્ષકો જેઓ અમારી સાથે સંકળાયેલા હતા તેઓ શહીદ થયા છે. આ જ કારણ છે કે હવે સમય છે જ્યારે બધી જ સંસ્થાઓ એક થાય, મિશન મોડમાં ટીમ બનીને સૌ એકબીજાના સથવારે કામ કરે અને જ્યાં કંઈક ખરાબ થતું હોય ત્યાં એને રોકવામાં આવે. આ ગૌરક્ષકો માટે સેફ્ટી-ફન્ડ ઊભું કરવું, તેમના અને તેમના પરિવારની મેડિકલ હેલ્પ અને મેડિક્લેમ જેવી વ્યવસ્થા ઊભી થાય એ દિશામાં કામ ચાલુ છે. આ આયોજનમાં પણ લાખોનું દાન મળ્યું, ૧૧ ઍમ્બ્યુલન્સ, ૧૧ ગૌશાળાના શેડ વગેરે મળ્યું છે.’
અહીં સન્માનિત થયેલા ગૌરક્ષકો કેવાં-કેવાં જોખમો ઉઠાવે છે અને કઈ રીતે તેમના પર હુમલાઓ થાય છે એ વિષય પર તેમની સાથે વિગતવાર ચર્ચા થઈ હતી. ગૌરક્ષકોના અનુભવો વાંચો રવિવારે.
mumbai news mumbai kandivli wildlife culture news exclusive