25 March, 2025 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાયગડના કિલ્લામાંથી વાઘ્યા કૂતરાની સમાધિ હટાવવાના પ્રસ્તાવને વિધાનસભામાં મંજૂરી
છત્રપતિ સંભાજી નગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવવાનો મામલો ગરમ છે ત્યાં રાયગડ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિની પાછળ આવેલી વાઘ્યા કૂતરાની સમાધિ હટાવવાની માગણી કરતો પત્ર મુખ્ય પ્રધાનને લખવામાં આવ્યો છે. એને લીધે વાઘ્યા કૂતરાનો મુદ્દો ગઈ કાલે વિધાનસભામાં પણ ગાજ્યો હતો. સત્તાધારી અને વિરોધી પક્ષના તમામ નેતાઓએ રાયગડ કિલ્લા પરથી વાઘ્યા કૂતરાની સમાધિ દૂર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી હતી.
ભૂતપૂર્વ સંસદસભ્ય છત્રપતિ સંભાજીરાજેએ દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં લખ્યું છે કે ‘રાયગડ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિની પાછળ એક વાઘ્યા કૂતરાની સમાધિ છે. આ કૂતરો કોનો છે એનો ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી છતાં રાયગડના કિલ્લામાં એની સમાધિ બનાવવામાં આવી છે. શિવપ્રેમીઓએ આ સમાધિનો વિરોધ કરીને એક વખત તો કૂતરાના પૂતળાને હટાવી દીધું હતું, પણ પ્રશાસને ફરી પૂતળું મૂકી દીધું હતું અને પોલીસ એનું પ્રોટેક્શન કરી રહી છે. હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગડ કિલ્લામાં હતી. અહીં છત્રપતિની સમાધિ છે એની સાથે અજાણ્યા કૂતરાની સમાધિ ન શોભે. શ્રદ્ધાની કુચેષ્ટા અને મહાન યુગપ્રવર્તક છત્રપતિ શિવાજી મહારાજનું ઘોર અપમાન છે એથી આ કૂતરાના પૂતળાને તાત્કાલિક હટાવવામાં આવે અને પૂતળું મૂકવા માટેનું પેડસ્ટ્રલ તોડી પાડવામાં આવે એવી માગણી છે.’