મ્હાડાના અધિકારીની પત્નીએ પતિ સાથેના ઝઘડાથી કંટાળીને ગળે ફાંસો ખાધો

28 July, 2025 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે આત્મહત્યાનું સાચું કારણ હજી સ્પષ્ટ નથી એટલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કાંદિવલી-ઈસ્ટમાં રહેતી સરકારી અધિકારીની પત્નીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પતિના ત્રાસને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ મહિલાનો પતિ મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા)નો સબ-રજિસ્ટ્રાર છે.

રેણુ કટરા નામની મહિલા અને તેના પતિ બાપુ કટરા વચ્ચે અનેક વાર આર્થિક મુદ્દાઓ પર ઝઘડા થતા હતા, જેને કારણે કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી હોવાનું તેના ભાઈ નીતિન શેવાળે જણાવ્યું હતું. મહિલાના ભાઈએ પોતાની બહેને આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા થઈ હોવાનો દાવો પણ કર્યો હતો.

પોલીસે આપેલી માહિતી મુજબ શનિવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ રેણુએ અંતિમ પગલું ભર્યું હતું. જોકે આત્મહત્યાનું સાચું કારણ હજી સ્પષ્ટ નથી એટલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે.

kandivli suicide mahad news mumbai mumbai news mental health mumbai police