10 January, 2024 09:00 AM IST | Mumbai | Shirish Vaktania, Samiullah Khan
હિતેશ રાઠોડ
કાંદિવલી પોલીસ યશ કેટરર્સના માલિક અને કેટરિંગના બિઝનેસમૅન હિતેશ કાનજી રાઠોડની ધરપકડ કરવામાં આનાકાની કરી રહી છે. હિતેશ રાઠોડ ૧૧ ડિસેમ્બરે ગ્રાહકોના કરોડો રૂપિયા લઈને ભાગી ગયો હતો. ફરિયાદીઓનો આરોપ છે કે પોલીસ તેને શરૂઆતથી બચાવી રહી છે. પોલીસે શરૂઆતથી તેને શોધવા માટે કોઈ પ્રયાસો નહોતા કર્યા એને કારણે એવી શંકા થઈ રહી છે કે કાંદિવલી પોલીસ હિતેશ રાઠોડના ગુમ થવા વિશે જાણતી હતી.
આ ઉપરાંત હિતેશ રાઠોડના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા હોવા છતાં કાંદિવલી પોલીસ તેની ધરપકડ કરવા અને પીડિતને મદદ કરવા માટે કોઈ પ્રયાસો નથી કરી રહી. હિતેશ રાઠોડનો મૅનેજર અલ્તાફ ખાન તેની સુસાઇડ નોટ લઈને કાંદિવલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, પરંતુ પોલીસે તેને એક દિવસ રાહ જોવાનું કહ્યું.
હિતેશ રાઠોડનું કેટરિંગ પોતાનાં લગ્ન માટે બુક કરાવનાર એક યુવકે કહ્યું હતું કે ‘તેની સુસાઇડ નોટ વૉટ્સઍપ ગ્રુપમાં વાઇરલ થઈ હતી. પાલઘરમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે એ અફવા હોવાનું બહાર આવ્યું હતું. આટલું થયું હોવા છતાં પોલીસે તેને શોધવા કોઈ પ્રયત્ન કર્યો નહોતો.’
એક દુલ્હનના પિતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પોલીસ પાસે હિતેશ રાઠોડ નાશિક અને સાપુતારા ગયો હોય એવી માહિતી છે. તેણે મારા સહિત અન્ય લોકો સાથે ફ્રૉડ કર્યું છે એ પોલીસ જાણતી હોવા છતાં તેની ધરપકડ કરી નહોતી. હિતેશ રાઠોડે આગોતરા જામીન માટે સંપર્ક કર્યો ત્યારે અમારો રહ્યોસહ્યો વિશ્વાસ પણ ઊઠી ગયો હતો.’
અન્ય એક ફરિયાદીએ કહ્યું હતું કે ‘હિતેશ રાઠોડે અમને ફોન કરીને પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેણે હજી સુધી એક રૂપિયો આપ્યો નથી. મેં મારી દીકરીનાં લગ્ન માટે મારા મિત્ર પાસેથી લોન લીધી હતી.’
કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ વિશ્વાસરાવે હિતેશ રાઠોડની સ્થિતિ વિશે પોતે ન જાણતા હોવાનું સ્વીકાર્યું હતું. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેને શોધવા માટે ટીમ બનાવવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ તે સાપુતારામાં હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલે પોલીસે તેને પકડવા માટેના પ્રયાસો વધુ તીવ્ર કર્યા હતા.
આ દરમ્યાન હિતેશ રાઠોડ મુંબઈ આવ્યો હતો અને તેના ગ્રાહકોને મળ્યો હતો તથા તેમને એફઆઇઆર દાખલ ન કરવા કહ્યું હતું.
કેસની ટાઇમલાઇન
૧૧ ડિસેમ્બર : હિતેશ રાઠોડ ગુમ થયો
૧૨ ડિસેમ્બર : ગુમ થવાની ફરિયાદ નોંધાઈ
૧૨ ડિસેમ્બર : કાંદિવલી પોલીસને ફરિયાદો મળવા લાગી
૧૪ ડિસેમ્બર પછી : હિતેશ રાઠોડ તેના મૅનેજર, પરિવાર અને મિત્રોના સંપર્કમાં હતો