08 November, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહિલાની ચેઇન આંચકીને ભાગેલો મુખ્ય આરોપી અજય પરેરા
કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર આવેલી ઉમંગ સોસાયટીમાં રહેતાં ૭૬ વર્ષનાં અરુણા રૂપાણીની સોનાની ચેઇન ખેંચીને નાસી ગયેલા આરોપીની કાંદિવલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. મંગળવારે રાતે સાડાનવ વાગ્યે બનેલી આ સમગ્ર ઘટના ઉમંગ સોસાયટીના બીજા માળે લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં સ્પષ્ટપણે કેદ થઈ હતી જે પાછળથી સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ હતી. આ ગંભીર કેસમાં પોલીસે ૮૦થી વધારે CCTV કૅમેરાનાં ફુટેજની ઝીણવટભરી તપાસ કરીને આરોપીની ઓળખ સુનિશ્ચિત કરી હતી. ત્યાર બાદ સચોટ ટેક્નિકલ તપાસ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે આરોપી અને તેના સાથીદારને ઝડપી લીધા હતા.
શું ઘટના બની હતી?
કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કરણ સોનકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ચોંકાવનારી ઘટના મંગળવારે બની હતી. વૃદ્ધ મહિલા બજારમાંથી જરૂરી ખરીદી કરીને પોતાના ઘરે પાછાં ફર્યાં હતાં એ જ સમયે મુખ્ય આરોપી અગાઉથી જ તેમના પર નજર રાખીને બેઠો હતો. મહિલા જ્યારે પોતાના ઘરની બહાર ઊભાં હતાં ત્યારે આરોપીએ અચાનક ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી. આ બનાવ બાદ આરોપી તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહિલાની ફરિયાદ મળતાં જ અમારી ક્રાઇમ ડિટેક્શન ટીમે તાત્કાલિક વિવિધ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.’
CCTVના આધારે આરોપી પકડાયો
આ કેસને ઉકેલવામાં ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV કૅમેરાનાં ફુટેજ નિર્ણાયક સાબિત થયાં હતાં. એમ જણાવતાં કરણ સોનકવાડે કહ્યું હતું કે તપાસ-ટીમે ઘટનાસ્થળથી લઈને આરોપીના ભાગવાના સંભવિત તમામ માર્ગો પર આવેલા આશરે ૮૦ સરકારી અને ખાનગી CCTV કૅમેરાનાં ફુટેજોની બારીકાઈથી ચકાસણી કરી હતી. આ વ્યાપક તક્નિકી તપાસના આધારે અમે મુખ્ય આરોપી ૫૪ વર્ષના અજય પરેરાની નાલાસોપારાથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્યાન તેણે કબૂલાત કરી હતી કે પોતાના સાથીદાર ૩૬ વર્ષના દીપંકર ઘોષની મદદથી ચોરી કરેલી સોનાની ચેઇનને ઓગાળી નાખી હતી અને ત્યાર બાદ એને ઝવેરીબજારમાં વેચી દીધી હતી. આ ખુલાસા બાદ પોલીસે બાતમીદારો અને ટેક્નિકલ ઇન્પુટ્સની મદદથી બીજા આરોપી દીપંકરની પણ ધરપકડ કરી હતી.’
પોલીસના કહેવા મુજબ મુખ્ય આરોપીને નશાની આદત હતી તેમ જ તેણે અમુક બૅન્કમાંથી લોન લીધી હતી જેના રિકવરી એજન્ટ તેને સતત ફોન કરતા હતા. આ પૈસા સમયે ભરી નાખવા માટે તેણે આ ચોરી કરી હોવાની માહિતી સામે આવી છે. મુખ્ય આરોપી સામે અગાઉ પણ સમતાનગરમાં લૂંટ અને રૉબરીનો કેસ નોંધાયેલો છે. આ બન્ને આરોપીઓ પાસેથી ચોરી કરાયેલો મુદ્દામાલ અને ઓગાળેલું સોનું રિકવર કરવામાં આવ્યું છે. આરોપી પાસેથી તમામ રિકવર થયેલું સોનું ફરિયાદી મહિલાને ટૂંક સમયમાં લીગલ પ્રક્રિયા પૂર્ણ થતાં પાછું આપવામાં આવશે.