06 March, 2025 09:03 AM IST | Mumbai | Mehul Jethva
સ્કૂલમાં રસોઈ બનાવી રહેલા વિદ્યાર્થીઓ
કલ્યાણ-વેસ્ટના ગૌરીપાડામાં આવેલી ભાઉરાવ પોટે માધ્યમિક સ્કૂલે મંગળવારે ‘માઝી શાળા - માઝી ભાકરી’ પહેલ હેઠળ એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં સ્કૂલના આઠમા અને નવમા ધોરણમાં ભણતા ચાળીસથી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલના મેદાનમાં લાકડાનો ચૂલો તૈયાર કરી એના પર બાજરી, જુવાર અને ચોખાના રોટલા સાથે ચાર પ્રકારની ચટણી ઉપરાંત બટાટાનું શાક બનાવીને રસોઈ-કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ આયોજનમાં છોકરાઓને પણ વાસણ ધોતાં આવડવું જોઈએ એવા હેતુથી રસોઈ આરોગ્યા બાદ તેમને વાસણ ધોવાની પણ તાલીમ આપવામાં આવી હતી.
ભાઉરાવ પોટે માધ્યમિક સ્કૂલના આચાર્ય સુરેશ વામને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલના વિદ્યાર્થીઓને બધી રીતે તૈયાર કરવાના ભાગરૂપે આ વિશેષ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠમા-નવમા ધોરણમાં ભણતાં ૪૦ છોકરાઓ અને છોકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રોગ્રામની તૈયારી કરવા માટે બાળકોએ બે-ત્રણ દિવસ પહેલાં જ લાકડાં ભેગાં કરી મેદાનમાં ગોઠવી દીધાં હતાં. ત્યાર બાદ સોમવારે સાંજે ભાજી-માર્કેટમાંથી ટમેટાં, મરચાં, નારિયેળ, જુવાર, બાજરી અને ચોખાનો લોટ ખરીદી લીધો હતો. મંગળવારે સવારે ૮ વાગ્યે છોકરાઓએ લોટ બાંધ્યો હતો જેમાં છોકરીઓએ તેમને મદદ કરી હતી. ત્યાર બાદ લાકડાનો ચૂલો પેટાવી એના પર તાવડીમાં સરસમજાના રોટલા બનાવ્યા હતા. બીજી તરફ છોકરીઓએ ટમેટાં અને નારિયેળની ચટણી તૈયાર કરી હતી અને દોઢેક કલાકમાં તમામ વસ્તુ તૈયાર થયા બાદ બધા વિદ્યાર્થીઓ બનાવેલી રસોઈ જમ્યા હતા. જમ્યા પછી તમામ વાસણ છોકરાઓએ ધોયાં હતાં જેમાં છોકરીઓએ તેમને મદદ કરી હતી.’
પુરુષો કોઈ રીતે પાછળ ન પડે એવા હેતુથી પણ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું એમ જણાવતાં સુરેશ વામને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આપણા દેશમાં સ્ત્રી અને પુરુષને સમાન ગણવામાં આવે છે. આજે ટેક્નૉલૉજીના યુગમાં મોટા ભાગનાં ઘરોમાં મહિલાઓ નોકરીએ જતી હોય છે ત્યારે છોકરાઓએ રસોઈ શીખવી બહુ જરૂરી છે એટલું જ નહીં, મોટા ભાગના સ્ટુડન્ટ્સ ભણવા માટે બહારગામ જતા હોય છે ત્યારે તેમણે રાંધવા કે કપડાં-વાસણ ધોવા જેવાં તમામ કામ પોતે જ કરવાં પડે છે. એવા સમયે જો બહારનું ફૂડ ખાય તો તેમના શરીર માટે સારું નથી હોતું. એ ઉપરાંત ફૂડ ઘણું મોંઘું હોય છે. જો આવી તાલીમ લીધી હોય તો તેઓ પોતાની રસોઈ બનાવી શકે અને અન્ય કામ પણ કરી શકે એ જોતાં અમે વિદ્યાર્થીઓને દરેક રીતે સક્ષમ કરવા માટે રસોઈ બનાવવાનો અને વાસણ ધોવાનો કાર્યક્રમ રાખ્યો હતો.’