16 September, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવાસીઓમાં હોબાળો મચી ગયો
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ગઈ કાલે સવારે કતારના દોહા જનારી ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટમાં પૅસેન્જરોને પાંચ કલાક બેસાડી રાખ્યા પછી ફ્લાઇટે ટેક-ઑફ ન કરતાં પ્રવાસીઓમાં હોબાળો મચી ગયો હતો. તેમને ઍરપોર્ટના ઇમિગ્રેશન એરિયામાં લઈ જવાયા હતા, પણ એ પછીયે ટેક્નિકલ ખામી આવતાં ફ્લાઇટ ન ઊડતાં અંદાજે ૨૫૦થી ૩૦૦ પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડી હતી.
ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ 6E- 1303 મુંબઈથી કતારના દોહા જવાની હતી. ફ્લાઇટનો શેડ્યુલ ટાઇમ રવિવારે પરોઢિયે ૩.૫૫ વાગ્યાનો હતો. બધા જ પૅસેન્જરો પ્લૅનમાં બેસી ગયા બાદ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી આવતાં એ ઊડી શકી નહોતી.
પ્રવાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પાંચ કલાક સુધી તેમને ફ્લાઇટમાં જ બેસાડી રખાયા હતા અને ફ્લાઇટ ડિલે થઈ હોવા છતાં તેમને બહાર જવા દેવાયા નહોતા. ઍરલાઇન્સનું કહેવું હતું કે એક વાર તેમની ઇમિગ્રેશનની પ્રોસીજર પતી ગઈ હોવાથી તેમને નીચે ન ઉતારી શકાય. એ પછી પૅસેન્જરોએ હોબાળો મચાવ્યા બાદ આખરે તેમને ઍરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા અને ઇમિગ્રેશનના વિસ્તારમાં જ રાખવામાં આવ્યા હતા. પૅસેન્જરો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમને આટલો વખતે બેસાડી રાખ્યા પછી પણ ઍરલાઇન્સ તરફથી પાણી કે ખાવાનું આપવામાં આવ્યું નહોતું. પૅસેન્જરો ઍરલાઇન્સના સ્ટાફ પાસે કારણ જાણવા માગતા હતા અને તેમને ક્યારે લઈ જવાશે એવી પૂછપરછ કરતા હતા, પણ ઍરલાઇન્સ દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો આપવામાં આવતો નહોતો. ફ્લાઇટ ડિલે થવાથી લોકોનાં આગળનાં શેડ્યુલ ખોરવાઈ ગયાં હતાં. ઘણા પૅસેન્જરો સાથે બાળકો પણ હતાં. તેમની હાલત પણ કફોડી થઈ ગઈ હતી.
ઇન્ડિગોના પ્રવક્તા દ્વારા ફ્લાઇટ કૅન્સલ કરવા બદલ પૅસેન્જરોની માફી માગીને ખુલાસો કરવામાં આવ્યો હતો કે ‘પ્લેનને બે વખત ઉડાડવાની કોશિશ કરવામાં આવી હતી, પણ એ પછી પ્રોસીજર પતાવવામાં બહુ જ લાંબો સમય નીકળી જવાથી આખરે એ કૅન્સલ કરવામાં આવી હતી. જોકે અમે અટવાયેલા પૅસેન્જરોને તરત જ મદદ કરી હતી અને તેમને રિફ્રેશમેન્ટ આપીને તેમની કાળજી લીધી હતી. પૅસેન્જરોને હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે.’