પતિએ પ્રેમિકા સાથે હોટેલમાં રોકાવા પત્નીના નામે બનાવ્યું નકલી આધારકાર્ડ

12 May, 2026 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્નીએ પતિ અને પ્રેમિકા સામે બાંદરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પ્રતીકાત્મક તસવીર

વડોદરામાં રહેતી ૩૯ વર્ષની ગુજરાતી મહિલાની ઓળખ ચોરી કરીને તેના જ પતિએ પોતાની પ્રેમિકા સાથે બાંદરાની આલીશાન હોટેલમાં રોકાવા માટે પત્નીનું નકલી આધારકાર્ડ વાપર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પત્નીએ પતિ અને તેની પ્રેમિકા સામે બાંદરા પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ નોંધાવી હતી. મહિલા અને તેના પતિ વચ્ચે હાલમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને આ વિવાદિત સમયગાળા દરમ્યાન જ પતિએ પત્નીની જાણ બહાર તેની ઓળખનો દુરુપયોગ કરીને ગંભીર ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

બાંદરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલાના વકીલે બાંદરાની એક જાણીતી હોટેલમાં ફરિયાદીના પતિને જોયો હતો. એ સમયે વકીલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ફરિયાદીનો પતિ ત્યાં કોઈક મહિલા સાથે રોકાયો છે. એટલે તેણે તરત ફરિયાદી મહિલાને ફોન કરીને જણાવ્યું હતું. આ સાંભળીને ફરિયાદી મહિલા ચોંકી ગઈ હતી, કારણ કે એ સમયે તેઓ વડોદરામાં હતાં. શંકા જતાં તેણે હોટેલમાં તપાસ કરી તો તેનો પતિ અને એક મહિલા સાથે રોકાયાં હોવાની માહિતી મળી હતી. તે મહિલા કોણ છે એની તપાસ કરતાં હોટેલમાં રોકાવા માટે જમા કરાવેલા દસ્તાવેજ તેના નામના હોવાની માહિતી મળી હતી. એટલે તેણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. અમે હોટેલ પાસેથી વિગત મેળવીને તપાસ કરતાં ફરિયાદીના પતિએ ફરિયાદીના આધારકાર્ડમાં ફોટોશોપથી ચેડાં કરીને માત્ર ફોટો બીજી મહિલાનો નાખી દીધો હતો અને એ ખોટું આધાર કાર્ડ તેણે હોટેલમાં જમા કરાવ્યું હતું. આ કેસમાં અમે વધારે તપાસ શરૂ કરી છે તેમ જ હોટેલ પાસેથી CCTV કૅમેરાનાં ફુટેજ પણ મગાવ્યાં છે.’

mumbai news mumbai vadodara Crime News mumbai crime news Aadhaar bandra mumbai police