20 September, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આત્મહત્યા કરનારો વિદ્યાર્થી સાહિલ વાકોડે.
બૅચલર ઑફ ટેક્નૉલૉજી (BTech)ના સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના બાવીસ વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેએ શુક્રવારે સાંજે પવઈ કૅમ્પસની હૉસ્ટેલ-નંબર ચારમાં પંખા પર દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એ પછી વિદ્યાર્થીઓએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. વિરોધ-પ્રદર્શનના પગલે શુક્રવારે મોડી સાંજે હાલ ચાલી રહેલી સેમેસ્ટર એક્ઝામ્સ પોસ્ટપોન કરવામાં આવી હતી.
આત્મહત્યાના આ મામલે નવી વિગતો સામે આવી રહી છે તથા આ ઘટના બાદ IIT-બૉમ્બેમાં તનાવનું વાતાવરણ પણ ઊભું થયું છે. સામે આવેલી નવી માહિતી મુજબ પરીક્ષા દરમ્યાન ChatGPTનો ઉપયોગ કરતાં પકડાવાના કારણે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હોવાનું પાસું સામે આવ્યું છે. શનિવારે મળેલી માહિતી મુજબ સાહિલ પરીક્ષા દરમ્યાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરી, ChatGPT પર પ્રશ્નપત્ર અપલોડ કરીને એના જવાબ માગતાં ઝડપાઈ ગયો હતો. IIT-બૉમ્બેના સત્તાવાર નિવેદન અનુસાર તેની વિરુદ્ધ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે એમ છતાં સાહિલે આ પગલું ભર્યું હતું. જોકે આ ઘટના બાદ IIT-બૉમ્બેના સ્ટુડન્ટ્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એટલા માટે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ-પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ મામલે પોલીસ તથા અન્ય ઑથોરિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ખરેખર પરીક્ષા દરમ્યાન સાહિલ ChatGPTનો ઉપયોગ કરતાં ઝડપાયો એટલા માટે તેણે આ પગલું લીધું કે પછી આ પાછળ બીજું કોઈ કારણ છે એ વિશે તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું હોવાને પગલે કૅમ્પસમાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ દત્તાત્રેય નલાવડેએ જણાવ્યું હતું કે આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે અને આત્મહત્યાનું ખરું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એક બાજુ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે સાહિલ વિરુદ્ધ શિસ્તભંગનાં કોઈ પગલાં નહોતાં લેવામાં આવ્યાં અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ સાહિલની મમ્મીએ આરોપ મૂક્યો છે કે તેના દીકરાની મારપીટ કરવામાં આવી હતી અને તેને ટૉર્ચર કરવામાં આવ્યો હતો. આવો આરોપ લગાવીને સાહિલની મમ્મીએ ન્યાયની માગણી કરીને પોતાના દીકરાના મૃત્યુ માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. સાહિલની મમ્મીએ કહ્યું હતું કે ‘સાહિલ અમારો એકનો એક દીકરો હતો. અમે મરી જઈશું તો પણ ચાલશે. અમે ગરીબીમાં મોટા થયા છીએ. તે ડેરિંગબાજ હતો. તે આત્મહત્યા કરે એવો નહોતો. એ લોકોએ જાતિવાદ કર્યો. તેના ટીચર તેને બૅકવર્ડ ક્લાસનો હોવાથી પહેલેથી જ અપમાનિત કરતા હતા અને સંસ્થાના ડિરેક્ટર તે શિક્ષકને સપોર્ટ કરતા હતા.’
સાહિલનાં મમ્મી-પપ્પાએ શિક્ષક અને ડિરેક્ટરનાં નામ પણ તેમની ફરિયાદમાં લખાવીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
ડિરેક્ટરના રાજીનામાની માગણી, સસ્પેન્ડ કરવાની ધમકી અપાઈ હતી?
સાહિલની આત્મહત્યા બાદ IIT-બૉમ્બેના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા IIT-બૉમ્બેના ડિરેક્ટર રાજીનામું આપે એવી માગણી કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટે સાહિલનું કાઉન્સેલિંગ કર્યું હોવાની વાતને નકારતાં વિદ્યાર્થીઓએ સાહિલને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી હોવાના કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. જોકે ઇન્સ્ટિટ્યૂટના કહેવા મુજબ કાઉન્સેલિંગ દરમ્યાન સાહિલને આ ઘટનાની અસર તેની ઍકૅડેમિક કરીઅર પર નહીં થાય એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.