12 September, 2026 08:30 AM IST | New Delhi | Varsha Chitaliya
૧૦ સપ્ટેમ્બરે દિલ્હીમાં ૧૦૦ મીટરની દોડ વખતે હરિતા ભદ્રા, આ રેસમાં ગોલ્ડ મેડલ જીતીને દેશની સેકન્ડ-ફાસ્ટેસ્ટ રનર બની.
ઘાટકોપરની ૨૩ વર્ષની કચ્છી ભાનુશાલી ગર્લ હરિતા ભદ્રાની સુપફાસ્ટ સફર જપાનના સ્ટેડિયમ સુધી પહોંચી ગઈ છે. ૧૦ સપ્ટેમ્બરે દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ડિયન ઍથ્લેટિક્સ સિરીઝની ફાઇનલમાં હરિતાએ ૧૦૦ મીટરની દોડ માત્ર ૧૧.૨૨ સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ મેડલ સાથે તે દેશની બીજા નંબરની સૌથી ઝડપી દોડવીર બની છે. આજે ૧૨ સપ્ટેમ્બરે તે જપાનના નાગોયામાં ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સ માટે નૅશનલ ટીમ સાથે જપાન જવા રવાના થશે. જપાનમાં હરિતા ૨૦૦ મીટરની વ્યક્તિગત અને ૪x૧૦૦ મીટરની રીલે રેસમાં ભાગ લેશે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સપોર્ટ હેઠળ નવી મુંબઈની જિયો ઇન્સ્ટિટ્યૂટ ખાતે તાલીમ લઈ રહેલી હરિતા આજે દેશની સૌથી ઝડપથી ઊભરતી ઍથ્લીટ છે. રાષ્ટ્રીય સ્તરે ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની સ્પર્ધાઓમાં સતત મેડલ જીતીને તેણે પોતાની અસાધારણ ક્ષમતા સાબિત કરી બતાવી છે. ૧૦ સપ્ટેમ્બરે દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ડિયન ઍથ્લેટિક્સ સિરીઝમાં પોતાના પર્ફોર્મન્સથી ઉત્સાહિત થઈને હરિતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એશિયન ગેમ્સ પહેલાંની આ છેલ્લી સિરીઝ હતી. આ વર્ષે કુલ ૧૫ સ્પર્ધા યોજાઈ હતી. ફાઇનલ સિરીઝમાં દેશના ૯ ટોચના દોડવીરો દોડ્યા હતા. ૧૦૦ મીટરની દોડ ૧૧.૨૨ સેકન્ડમાં પૂરી કરીને મેં ગોલ્ડ મેડલ મેળવ્યો. આ સાથે આ વર્ષની હું સૌથી ઝડપી દોડવીર બની છું. જોકે નૅશનલ રેકૉર્ડ આજે પણ દુતી ચંદના નામે અંકિત છે, તેણે ૨૦૨૧ની ૨૧ જૂને પટિયાલામાં ઇન્ડિયન ગ્રાં પ્રી 4માં ૧૦૦ મીટરની દોડ ૧૧.૧૭ સેકન્ડમાં પૂરી કરી હતી. ભારતના અત્યાર સુધીના રેકૉર્ડની વાત કરીએ તો મારો નંબર બીજો છે.’
નવી દિલ્હીની આ શાનદાર જીત બાદ હરિતાનો આત્મવિશ્વાસ વધ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તે સજ્જ છે. તેની નજર હવે વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કરવા પર છે. એશિયન ગેમ્સમાં મહિલાઓની ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડની પ્રિલિમિનરી (હીટ્સ) અને ફાઇનલ રેસ ૨૩થી ૨૬ સપ્ટેમ્બરે પલોમા મિઝુહો સ્ટેડિયમના ટ્રૅક પર રમાશે. હરિતા અને ભારતીય ટીમને જપાન પહોંચ્યા બાદ ત્યાંના વાતાવરણ સાથે અનુકૂળ થવા અને પ્રૅક્ટિસ માટે ૧૦ દિવસનો સમય મળશે.
હરિતાએ એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય કરીને ભારતીય ઍથ્લેટિક્સમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. સ્પ્રિન્ટ (દોડ)માં તેના સતત સુધરતા પ્રદર્શન સાથે તેને હવે ભારતની ઊભરતી સ્ટાર તરીકે જોવામાં આવી રહી છે. હરિતાએ જણાવ્યું હતું કે ‘૨૪ જૂનથી ૨૮ જૂન વચ્ચે ભુવનેશ્વરના કલિંગામાં આયોજિત ૬૫મી ઇન્ટરસ્ટેટ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં ૨૩.૧૪ સેકન્ડમાં ફિનિશલાઇન પાર કરીને એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય કર્યું હતું. એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થવા ૨૩.૭૦ સેકન્ડમાં આ દોડ પૂરી કરવાની હતી, પણ મેં એનાથી ઓછા સમયમાં પૂરી કરી હતી. વ્યક્તિગત પ્રદર્શન ઉપરાંત ૪x૧૦૦ રીલે ઇવેન્ટ્સમાં ટીમને લીડ કરીને બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો. એશિયન ગેમ્સમાં પહેલી વાર ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ પર આ મારી ડેબ્યુ ચૅમ્પિયિનશિપ હશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરવા ઉત્સુક છું. આખું વર્ષ પ્રૅક્ટિસ પણ જોરદાર કરી છે.’
સખત મહેનત, શિસ્ત અને તાલીમની મદદથી હરિતાએ આ વર્ષની શરૂઆતથી દોડવાની ગતિ વધારી હતી. ૨૪-૨૫ માર્ચે ભુવનેશ્વરના કલિંગા ઇન્ડોર ઍથ્લેટિક સ્ટેડિયમ ખાતે ભારતની પ્રથમ નૅશનલ ઇન્ડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં મહિલા ઍથ્લીટ્સ કૅટેગરીમાં ગોલ્ડ મળ્યો હતો. ૬૦ મીટરની દોડ ૭.૩૨ સેકન્ડમાં પૂરી કરી હતી. એ વખતે જ તેણે એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું લક્ષ્ય બનાવ્યું હતું. ત્યાર બાદ મે મહિનામાં ચેન્નઈમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ચૅમ્પિયનશિપમાં ૧૦૦ મીટર દોડ ૧૧.૫૫ સેકન્ડમાં પૂરી કરી હતી. ૧૪ જૂને ત્રિવેન્દ્રમમાં ૨૦૦ મીટરની દોડ ૨૩.૫૮ સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ જીત્યો હતો. આખી સીઝન ટાર્ગેટને અચીવ કરવા માટે ઘણી મહેનત કરી અને ફાઇનલી એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થઈ.
રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ લેવા ૨૦૨૨-’૨૫માં હરિતાએ લંડનની લોફબરો યુનિવર્સિટીથી સ્પોર્ટ્સ સાયન્સ, કોચિંગ અને ફિઝિકલ એજ્યુકેશનમાં BSc (ઑનર્સ)ની ડિગ્રી લીધી. ગયા વર્ષે ઑગસ્ટમાં મુંબઈ પાછા આવ્યા બાદ તેણે નવી મુંબઈના ઉલવેમાં આવેલા રિલાયન્સ ફાઉન્ડેશનમાં કોચ રોહિત માનેના માર્ગદર્શનમાં તાલીમ શરૂ કરી. દરરોજ ૩ કલાકની પ્રૅક્ટિસ અને ડાયટને ફોકસમાં રાખીને તેણે દોડવાની ઝડપ વધારી. હરિતા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભારતનું નામ રોશન કરશે એવી અપેક્ષા છે. આગામી પાંચ વર્ષમાં તે પોતાને ઑલિમ્પિક્સમાં જોવા માગે છે.