બૅન્ક-મૅનેજરને બેભાન કરીને લૂંટી લેનાર બે મહિલા ચોરને ગોરાઈ પોલીસે ઝડપી લીધી

12 April, 2026 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને સામે અગાઉ પણ મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં ઘણા ગુના નોંધાયેલા છે.

પ્રતીકાત્મક તસવીર

પુરુષોને લલચાવી-છેતરીને તેમની પાસેની કીમતી વસ્તુઓ ચોરી જનાર બે રીઢી મહિલા ચોરને ગોરાઈ પોલીસે ઝડપી લીધી છે. બન્ને સામે અગાઉ પણ મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં ઘણા ગુના નોંધાયેલા છે.

આ કેસના ૪૩ વર્ષના ફરિયાદી બૅન્ક-મૅનેજરનો જુલાઈ ૨૦૨૫માં સોશ્યલ નેટવર્કિંગ ઍપ મારફત આરોપી મહિલા હની ઠાકુર ઉર્ફે બિમલાદેવી સિંહ સાથે સંપર્ક થયો હતો. એ પછી તેઓ ચૅટિંગ કરતાં હતાં અને ફોન પર વાતો પણ કરતાં હતાં. ૧૭ ઑગસ્ટે તેઓ અંધેરી સ્ટેશન પાસે મળ્યાં હતાં અને ત્યાર બાદ બારમાં જઈને ડ્રિન્ક પીધું હતું. ત્યાર બાદ ૩૦ ઑગસ્ટે ગોરાઈના રિસૉર્ટમાં ગયાં હતાં. જોકે એ વખતે હની ઠાકુર સાથે અન્ય એક મહિલા રુથ નાયડુ હતી. એ રાતે તેઓ જમ્યાં હતાં અને દારૂ પણ પીધો હતો. એ પછી રાતે ૧૦ વાગ્યે બૅન્ક-મૅનેજર સૂઈ ગયા હતા. સવારે ઊઠીને તેમણે જોયું ત્યારે એ બન્ને મહિલાઓ ગાયબ હતી અને તેમની ૪.૨૦ લાખ રૂપિયાની કીમતી વસ્તુઓ પણ ગાયબ હતી. જોકે એ પછી સમાજમાં બદનામીના ડરથી તેમણે ફરિયાદ નહોતી કરી, પણ માર્ચ ૨૦૨૬માં તેમણે ગોરાઈ પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને બન્ને રીઢી મહિલા ચોરને ઝડપી લીધી હતી.  

mumbai news mumbai Crime News mira bhayandar municipal corporation mira road bhayander vasai virar mumbai police