ભારતની સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટ બૉડી GJEPC દ્વારા નવી કમિટીની જાહેરાત

19 February, 2025 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં હેડક્વૉર્ટર ધરાવતા ભારતીય હીરાઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ એવી જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા કિરીટ ભણસાલીની ચૅરમૅન અને શૌનક પરીખની વાઇસ ચૅરમૅન તરીકે નિમણૂક થઈ

કિરીટ ભણસાલી, શૌનક પરીખ

દેશની નિકાસ વધારવાના આશયથી ૧૯૬૬માં વાણિજ્ય મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા ગઈ કાલે નવી કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. નવી કમિટીના તમામ સભ્યો ઉપરાંત ચૅરમૅનપદે સ્મિટલ ડાયમન્ડ્સના પાર્ટનર અને ઇન્ટરનૅશનલ ફ્રન્ટ પર ડાયમન્ડના બિઝનેસને વિકસિત કરવા સ્ટ્રૅટેજિસ્ટની ભૂમિકા ભજવી ચૂકેલા કિરીટ ભણસાલીની નિમણૂક થઈ છે અને વાઇસ ચૅરમૅનપદે મહેન્દ્ર બ્રધર્સ ગ્રુપ ઑફ કંપનીના ડિરેક્ટર શૌનક પરીખ નિયુક્ત થયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ભારતભરમાં ૧૦,૬૦૦થી વધુ સભ્યો ધરાવતી આ સંસ્થાનું હેડક્વૉર્ટર મુંબઈમાં છે અને નવી દિલ્હી, કલકત્તા, જયપુર અને સુરતમાં રીજનલ ઑફિસ છે. ચૂંટાયેલા વર્તમાન ચૅરમૅન કિરીટ ભણસાલીએ કહ્યું હતું કે ‘ભારતની રત્ન તથા ઘરેણાંની ઇન્ડસ્ટ્રીનો કેટલાંક વ્યૂહાત્મક અને ઇનોવેટિવ પગલાંઓ દ્વારા દુનિયામાં ડંકો વાગે એ નેમ સાથે અમે કામ કરી રહ્યા છીએ. જેમ કે મુંબઈમાં અમે ઇન્ડિયન જ્વેલરી પાર્ક શરૂ કર્યો અને જયપુરમાં જેમ બુર્સ શરૂ કર્યું છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં સંસ્થાન શરૂ કર્યાં છે. અમારો ગોલ છે કે ૨૦૪૭માં જેમ ઍન્ડ જ્વેલરીની એક્સપોર્ટ ૧૦૦ અબજ અમેરિકન ડૉલરની હોય. ટેક્નૉલૉજી, ડિઝાઇન અને મૅન્યુફૅક્ચરિંગની દુનિયામાં ભારત ગ્લોબલ લીડર બને એ દિશામાં નવતર પ્રયોગો શરૂ થઈ ચૂક્યા છે.’

આ કાઉન્સિલમાં ભૂતકાળમાં પણ વિવિધ પદ પર સક્રિય રહી ચૂકેલા વાઇસ ચૅરમૅન શૌનક પરીખે કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રી અત્યારે એક મહત્ત્વપૂર્ણ પડાવમાંથી પસાર થઈ રહી છે. ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સને બહુ જ મોટા પાયે સ્કિલ-એન્હૅન્સમેન્ટથી લઈને દરેક વર્ટિકલના પ્રમોશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટમાં કામ કરવાની સાથે સરકાર સાથે મળીને વિકાસલક્ષી પૉલિસી ઘડવાનું પણ અમારું ધ્યેય છે.’

mumbai jaipur surat new delhi kolkata diamond market news mumbai news