13 March, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : શાદાબ ખાન
નવી મુંબઈના કોપરખૈરણેમાં આવેલી ન્યુ પંચરત્ન રેસ્ટોરાંએ ગૅસ-સિલિન્ડરની અછતને કારણે ગઈ કાલે શટર પાડી દીધું હતું. બીજી તરફ ધારાવીમાં સિલિન્ડર લેવા માટે લોકોએ લાઇન લગાડી હતી.
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની જુઈનગરમાં આવેલી પ્રાણીઓ માટેની એકમાત્ર વેટરિનરી હૉસ્પિટલમાં હવે પાંચ વર્ષ બાદ બુધવારથી ઑપરેશનો ચાલુ કરવામાં આવ્યાં છે. ૬ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી એ હૉસ્પિટલ ૨૦૨૧માં જ રેડી થઈ ગઈ હતી, પણ એનું કામકાજ ચાલુ નહોતું કરવામાં આવ્યું. પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા આ બાબતે ઊહાપોહ મચાવવામાં આવ્યો હતો. એ પછી આખરે હવે પ્રાણીઓના ૩ ડૉક્ટર અને ૪ સ્ટાફ-મેમ્બર સાથે એ હૉસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. જોકે એનું સત્તાવાર ઉદ્ઘાટન આ મહિનાના અંત સુધીમાં થવાની શક્યતા છે. અત્યાર સુધી ઘાયલ પશુ-પંખીઓને સારવાર કરાવવા થાણે લઈ જવાં પડતાં હતાં.
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા એના બસ-ડેપો અને બસ-સ્ટૉપ પર ફિલ્મો અને સિરિયલોના શૂટિંગ માટે લેવામાં આવતા ચાર્જિસમાં વધારો કર્યો છે. પહેલાં ડેપોમાં શૂટિંગ કરવા માટે રોજના ૩.૯ લાખ રૂપિયા ચૂકવવા પડતા હતા એ હવે વધારીને ૫.૮ લાખ રૂપિયા કરી દેવાયા છે, જ્યારે બસ-સ્ટૉપ પર શૂટિંગ કરવાના પહેલાં ૨.૧ લાખ રૂપિયા લેવાતા હતા એ વધારે ૩.૧ લાખ રૂપિયા કરી દેવાયા છે. આ વધારો પહેલી એપ્રિલથી અમલમાં આવશે.
કચ્છના ભચાઉમાં ગુરુવારે વહેલી સવારે ચોપડવા બ્રિજ પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. એની પાસેના સ્ક્રૅપયાર્ડ સુધી એ આગ ફેલાઈ જતાં આ વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. નગરપાલિકા અને બે પ્રાઇવેટ કંપનીઓની ફાયર-બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે કોઈને ઈજા નહોતી પહોંચી.