12 March, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો આગ જલદી કાબૂમાં ન આવે તો ગ્રાઉન્ડ વૉટરને અસર થવાની ચિંતા નિષ્ણાતોએ જણાવી હતી
મુંબઈના પવઈ હિલ્સ વિસ્તારમાં છેલ્લા ૪ દિવસથી આગ ભભૂકી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં સંજય ગાંધી નૅશનલ પાર્ક અને આરેના જંગલમાં આગ લાગવાનો આ દસમો બનાવ છે. નૅશનલ પાર્કમાં લાગેલી આગ હજી સુધી બુઝાવી શકાઈ નથી. અધિકારીઓનું માનવું છે કે અસામાજિક તત્ત્વોએ આગ લગાવી હશે. ટેકરીવાળા વિસ્તારમાં આગ લાગતાં એને બુઝાવવાનું કામ પણ મુશ્કેલ બને છે. અત્યારે આગને રોકવા માટે એક ફાયર-લાઇન બનાવવામાં આવી છે. એટલે આગને આગળ વધતી રોકવા માટે ઘાસ, સૂકાં પાંદડાં વગેરે હટાવીને સપાટ મેદાન બનવાયું છે. જો આગ જલદી કાબૂમાં ન આવે તો ગ્રાઉન્ડ વૉટરને અસર થવાની ચિંતા નિષ્ણાતોએ જણાવી હતી.