27 December, 2024 09:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં એકનાથ શિંદે પુત્ર અને પુત્રવધૂ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
મહારાષ્ટ્રની મહાયુતિની સરકારમાં પ્રધાનોને ખાતાંની ફાળવણી કરવામાં આવ્યા બાદ ગઈ કાલે પહેલી વખત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અત્યારની સરકારના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની સપરિવાર મુલાકાત કરી હતી.
એકનાથ શિંદેએ ગઈ કાલે વડા પ્રધાન સાથેની મુલાકાતનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. એમાં તેમણે લખ્યું હતું કે ‘દેશના લોકપ્રિય વડા પ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીની તેમના નિવાસસ્થાને દિલ્હીમાં મુલાકાત કરી. મહારાષ્ટ્રમાં રેકૉર્ડ જનમત અને મહાયુતિની સરકાર બન્યા બાદની આ મુલાકાત હતી. વિકસિત ભારતના પથ પર રાજ્યના યોગદાન પર ચર્ચા થઈ. સંસદસભ્ય ડૉ. શ્રીકાંત શિંદે અને વૃશાલી શિંદે પણ પણ હાજર હતાં.’
વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં અમારી સરકાર બની. પ્રધાનમંડળની પણ સ્થાપના થઈ. આદરણીય મોદીજીના નેતૃત્વ અને તેમના આશીર્વાદથી અમે રાજ્યમાં કામ કરી રહ્યા છીએ. તેમણે મહારાષ્ટ્રની સ્થિતિ વિશે ખુશી વ્યક્ત કરી. તેમની સાથે મહારાષ્ટ્રના ભવિષ્ય માટે ચર્ચા કરી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે અમે ફરી વડા પ્રધાનને મળીશું.’