08 April, 2026 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાને પગલે ગઈ કાલે સ્થાનિક લોકોએ રસ્તા લોકો કરી રોષ વ્યક્ત કર્યો હતો.
કાંદિવલી-વેસ્ટના ચારકોપમાં મંગળવારે એક હૃદયદ્રાવક માર્ગ-અકસ્માત થયો હતો જેમાં સ્કૂલથી છૂટીને ઘરે આવી રહેલી ૬ વર્ષની રુતિકા ચૌહાણને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. રોષે ભરાયેલા લોકોએ ટ્રાફિક જૅમ કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
આ દુર્ઘટના ચારકોપના પૂજા એન્ક્લેવ પાસે બની હતી. મૃત્યુ પામનાર બાળકી BMCની સ્કૂલમાં ભણતી હતી. મંગળવારે સ્કૂલ છૂટ્યા બાદ તે પોતાની પાડોશી આન્ટી સાથે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે પૂરપાટ દોડતા એક ડમ્પરે તેને અડફેટમાં લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકીએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સેંકડોની સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. નિર્દોષ બાળકીના મોતના પગલે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેઓએ રસ્તા પર માનવસાંકળ રચીને વાહનવ્યવહાર અટકાવી દીધો હતો.
દેખાવકારોએ ડમ્પરચાલક અને માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તેમ જ વિસ્તારમાં ટ્રાફિક-સિગ્નલ અને સુરક્ષાનાં પગલાં લેવાની ઉગ્ર માગણી કરી હતી. આ વિરોધ-પ્રદર્શનને પગલે ચારકોપમાં ઘણા સમય સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં મુંબઈ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે તહેનાત થયો હતો. પોલીસે દેખાવકારોને શાંત પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સોશ્યલ મીડિયા પર પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેમાં લોકોએ રહેણાક વિસ્તારોમાં ભારે વાહનોની અવરજવર અને
માર્ગ-સલામતીના અભાવ સામે રોષ ઠાલવ્યો છે.
એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ બાળકી ગણેશનગરમાં મમ્મી-પપ્પા અને એક નાની બહેન સાથે રહેતી હતી. તેની મમ્મીની હાલમાં જ ડિલિવરી થઈ હોવાથી બાળકીને સ્કૂલમાંથી લેવા માટે ગઈ કાલે તેની પાડોશી મહિલા ગઈ હતી. સ્કૂલથી પાછી આવતી વખતે આ અકસ્માત થયો હતો. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’