30 January, 2022 10:08 AM IST | Mumbai | Vishal Singh
આરોપી વિજેન્દ્ર પાલ
દાદરના પ્રભાદેવીમાં રસ્તો ઓળંગી રહેલાં ૭૬ વર્ષનાં વૃદ્ધ મહિલાને સ્પીડમાં આવતા ડમ્પરની ઠોકર વાગી હતી. મહિલાની મદદ માટે ઊભા રહેવાને બદલે ઘટનાસ્થળથી પલાયન થઈ રહેલા ડમ્પર-ડ્રાઇવરનો પીછો કરીને ટ્રાફિક-પોલીસે તેને પકડી પાડ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલા શારદાદેવી માનસિંહ ઠાકુરને પોલીસ તરત સાયનની લોકમાન્ય ટિળક હૉસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત્યુ પામેલાં જાહેર કર્યાં હતાં.
શારદાદેવી ઠાકુર સવારે સાડાઅગિયાર વાગ્યે પ્રભાદેવી જંક્શન પર વીર સાવરકર રોડ નજીક રસ્તો ઓળંગી રહ્યાં હતાં એ વખતે સ્પીડમાં આવતા ડમ્પરે તેમને ટક્કર મારી હતી.
ડમ્પરના ડ્રાઇવરે પલાયન થવાની કોશિશ કરતાં ઘટનાસ્થળે ફરજ બજાવતા ટ્રાફિક-કૉન્સ્ટેબલ સતીશ ભગતે પીછો કરીને આગળના સિગ્નલ પર જ તેને પકડી પાડ્યો હતો. દાદર પોલીસે આ સંદર્ભે ઍન્ટૉપ હિલમાં રહેતા ડમ્પર-ડ્રાઇવર વિજેન્દ્ર પાલની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હોવાનું દાદરના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ મુગટરાવે કહ્યું હતું.
શારદાદેવી સિંહના પુત્ર રાજા સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મી સ્વસ્થ હતાં અને રોડ ક્રૉસ કરીને સામેની દુકાનમાં ખરીદી કરવા ગયાં હતાં ત્યારે તેજ ગતિથી આવતા ડમ્પરની અડફેટમાં આવ્યાં હતાં. જો ડમ્પર સ્પીડમાં ન આવ્યું હોત તો આ અકસ્માત ન થયો હોત.’