મીરા-ભાઈંદરમાં ડિમ્પલ મહેતા મેયર બન્યાં, મરાઠી એકીકરણ સમિતિનો વિરોધ

04 February, 2026 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)માં મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ડિમ્પલ મહેતા ચૂંટાઈ આવ્યાં હતાં

MBMCમાં ડિમ્પલ મહેતા મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં છે.

મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)માં મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ડિમ્પલ મહેતા ચૂંટાઈ આવ્યાં હતાં. વોટિંગ દરમ્યાન BJPના ૭૮ નગરસેવકોએ અને એક અપક્ષ ઉમેદવારે ડિમ્પલ મહેતાની તરફેણમાં વોટિંગ કર્યું હતું. આમ તેમને ૭૯ મત મળતાં તેઓ મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં, જ્યારે ધ્રુવ કિશોર પાટીલ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. જોકે આ ચૂંટણી યોજાઈ એ પહેલાં મરાઠી એકીકરણ સમિતિ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ વિરોધ દર્શાવ્યો હતો. તેમનું કહેવું હતું કે મેયરપદ મરાઠીને જ મળવું જોઈએ. તેઓએ વિરોધ-પ્રદર્શન અને નારાબાજી પણ કરી હતી છતાં ચૂંટણીની પ્રોસેસ પતાવવામાં આવી હતી અને ડિમ્પલ મહેતા મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.

વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અજીવ પાટીલ મેયર બન્યા હતા અને માર્શલ લોપેઝ ડેપ્યુટી મેયર બન્યા હતા. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં હર્ષાલી વિજય ચૌધરીની ડેપ્યુટી મેયર તરીકે અને રાહુલ વસંત દામલેની ડેપ્યુટી મેયર તરીકે નિયુક્તિ થઈ હતી.  

ઉલ્હાસનગરમાં કાલાણી ગ્રુપનાં અને શિવસેનામાંથી ચૂંટાઈ આવેલાં અશ્વિની નિકમ મેયર તરીકે નિયુક્ત થયાં છે અને BJPમાંથી ચૂંટાઈ આવેલા અમર લુંડ ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થયા છે

શિવસેનાનાં શર્મિલા પિંપળોલકર થાણેનાં નવાં મેયર

એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનાં શર્મિલા પિંપળોલકર મંગળવારે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ખાસ સામાન્ય સભામાં થાણેનાં ૨૩મા મેયર તરીકે બિનહરીફ ચૂંટાયાં હતાં, જે ૪ વર્ષ પછી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત પ્રશાસકનું ઔપચારિક સ્થાન લેશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૃષ્ણા પાટીલ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. આ પદો માટે અન્ય કોઈ નગરસેવકે નૉમિનેશન ફૉર્મ ભર્યું નહોતું, જેને કારણે તેમની બિનહરીફ ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.

મહાયુતિ ગઠબંધનમાં આંતરિક મહત્ત્વાકાંક્ષાઓને પહોંચી વળવા માટે શિવસેના અને BJPએ રોટેશન ફૉર્મ્યુલા રજૂ કરી છે, જે મુજબ મેયર અને ડેપ્યુટી મેયરનો કાર્યકાળ ૧૫ મહિનાનો નક્કી કરવામાં આવ્યો છે એમ શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું. આ વ્યવસ્થા ચૂંટાયેલા સભ્યોને સંતોષવા માટે કરવામાં આવી છે, જેમાં ૪ અલગ-અલગ કૉર્પોરેટરોને સંપૂર્ણ કાર્યકાળ દરમ્યાન દરેક ભૂમિકામાં સેવા આપવાની તક મળશે છે એમ તેમણે ઉમેર્યું હતું.

mumbai news mumbai bharatiya janata party mira bhayandar municipal corporation maharashtra political crisis political news gujarati community news gujaratis of mumbai