02 September, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતાપ સરનાઈક
મીરા-ભાઈંદરમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની મતદારયાદીના આંકડા જાહેર થયા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. મીરા-ભાઈંદર અને ઓવળા-માજિવડા મતવિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારોની નોંધણી શંકાસ્પદ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આરોપ લગાવ્યો છે કે તાજેતરમાં યોજાયેલી મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ની ચૂંટણીમાં સ્થાનિક સત્તાધારી પક્ષ BJPએ આ બોગસ મતદારોનો સીધો ફાયદો ઉઠાવ્યો હતો.
પ્રતાપ સરનાઈકે દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલાં MBMCના કમિશનરને બોગસ મતદારો વિશે વિગતવાર માહિતી આપીને સૂચિત કરવા છતાં આ વાત ધ્યાન પર લેવામાં આવી નહોતી, જેના પરિણામે લોકપ્રિયતા અને જનસંપર્ક અનુકૂળ હોવા છતાં ચૂંટણી-પરિણામ BJPની તરફેણમાં ગયું હતું.
૩૧ ઑગસ્ટે જાહેર કરાયેલી મતદારયાદી મુજબ મીરા-ભાઈંદર મતવિસ્તારના કુલ 5,14,950 મતદારોમાંથી 2,13,045 મતદારોની નોંધણીઓની પુનઃ ચકાસણી કરવાની જરૂર જણાઈ છે, જ્યારે માત્ર 3,01,905 મતદારોનાં નામ ઉપલબ્ધ છે. એ જ રીતે ઓવળા-માજિવડા મતવિસ્તારમાં કુલ 2,92,537 મતદારોમાંથી 1,42,661 નામ બાકાત થઈ ગયાં છે અને માત્ર 1,48,418 નામ ઉપલબ્ધ છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે પત્રકારો સાથે વાત કરતાં આ શંકાસ્પદ યાદીમાં મૃત્યુ પામેલા, સ્થળાંતરિત થયેલા અથવા બેવડી નોંધણી ધરાવતા બોગસ મતદારોનો મોટી સંખ્યામાં સમાવેશ થતો હોવાનું કહ્યું છે.
BJPએ મતદારયાદીના મૅનેજમેન્ટ પર સારું કામ કર્યું
મહાયુતિ ગઠબંધનમાં BJP અને શિવસેના સાથે હોવા છતાં શિવસેનાના જ પ્રધાન પ્રતાપ સરનાઈકે મતદારયાદીના સ્તરે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે ગઈ ચૂંટણીમાં BJPએ મતદારયાદીના મૅનેજમેન્ટ પર સારું કામ કર્યું હતું, જ્યારે તેમના પોતાના કાર્યકરોનું પૂરતું ધ્યાન ન રહેવાથી પરાજય થયો હતો.