05 October, 2025 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં ગઈ કાલે દિવસ દરમ્યાન થોડું ગરમ અને સામાન્ય વાતાવરણ રહ્યું હતું, પણ સાંજ સુધીમાં શહેરના આકાશ પર કાળાં વાદળાં ઘેરાતાં જોવા મળ્યાં હતાં (તસવીર : આશિષ રાજે)
મુંબઈગરાઓને હજી માંડ મૉન્સૂનમાંથી રાહત મળી છે ત્યાં ફરી એક વાર તોફાની વરસાદની ઘંટડીઓ વાગી રહી છે. શનિવારે અરબી સમુદ્રમાં ‘શક્તિ’ સાઇક્લોન જોરદાર તાંડવ કરી રહ્યું હતું. વાવાઝોડાનો ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. વાવાઝોડું શનિવારે બપોરે ૩ વાગ્યે ગુજરાતના દ્વારકાથી ૪૨૦ કિલોમીટર દૂર હતું. હવામાન ખાતાનું કહેવું હતું કે હાલ એ પશ્ચિમ-દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં એ વધુ તીવ્ર બનશે અને એની દિશા પણ ફંટાઈ શકે છે. જેમ-જેમ એની તીવ્રતા વધતી જશે એમ દરિયો તોફાની બનતો જશે. સોમવારે એ પૂર્વ–ઉત્તર દિશામાં વળે એવી શક્યતા છે. જોકે શક્ય છે કે એ પછી એની તીવ્રતા ઘટતી જાય.
આ વાવાઝોડાને લીધે પ્રભાવિત થઈ શકે એવા વિસ્તારોમાં હવામાન ખાતાએ મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ માટે ચેતવણી જાહેર કરી છે. ૩ ઑક્ટોબરથી ૭ ઑક્ટોબર સુધીમાં વાવાઝોડાની અસર થઈ શકે એમ એણે જણાવ્યું હતું. ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૫-૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે એમાંય વાવાઝોડાની તીવ્રતા વધી કે ઘટી શકે છે. જ્યારે ભારે પવનો સાથે મરાઠવાડા અને વિદર્ભમાં ધોધમાર વરસાદ આવી શકે છે અને ઉત્તર કોંકણના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.
વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્ય સરકાર બચાવ-કામગીરીની પૂર્વતૈયારીમાં લાગી ગઈ હતી. સરકારે જાહેર કરેલી ઍડ્વાઇઝરી પ્રમાણે વિવિધ વિભાગોને તૈયારીઓ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. દરિયાકિનારાવાળા અને નીચાણવાળા પ્રદેશોમાં મોટા પ્રમાણમાં લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવા પડે તો એ માટેની વ્યવસ્થા કરવાનો નિર્દેશ પણ આપી દીધો હતો. નાગરિકોને દરિયા નજીક પ્રવાસ ન કરવાનું અને ભારે વરસાદ હોય તો બહાર નીકળવા સામે સાવચેતી રાખવાનું પણ ઍડ્વાઇઝરીમાં જણાવાયું હતું.
૬ ઑક્ટોબરે ગુજરાત તરફ વળશે પણ એની ગતિ ધીમી પડી ગઈ હશે : તંત્ર અલર્ટ થયું : માછીમારોને દરિયામાં નહીં જવા સૂચના
અરબી સમુદ્રમાં ડેવલપ થયેલા વાવાઝોડા ‘શક્તિ’નો ગુજરાતના દરિયાકિનારે ઓછો ખતરો રહેવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. વાવાઝોડાને પગલે ગઈ કાલે સૌરાષ્ટ્રના દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો. એના પગલે દરિયાકિનારાના જિલ્લાઓમાં તંત્ર અલર્ટ થયું છે અને માછીમારોને હમણાં દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગઇકાલે દ્વારકા અને નલિયાથી ૪૨૦ કિલોમીટર અને પોરબંદરથી ૪૮૦ કિલોમીટર દૂર દરિયામાં ‘શક્તિ’ નામનું વાવાઝોડું મૂવમેન્ટ કરી રહ્યું હતું. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, દીવ, ઝાફરાબાદ, જૂનાગઢના માંગરોળ સહિતના દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો અને ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. હવામાન વિભાગના અનુસાર આ વાવાઝોડું ૬ ઑક્ટોબરે ગુજરાત તરફ વળી શકે છે પણ એનાથી પૅનિક થવાની જરૂર નથી, કેમ કે ત્યારે વાવાઝોડાની ગતિ ધીમી પડી ગઈ હશે એટલે એની ઇમ્પેક્ટ ઓછી જોવા મળશે. જોકે વાવાઝોડાને કારણે દ્વારકા, જામનગર, નવસારી, વલસાડ, સુરત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળોએ વરસાદ પડશે.