03 May, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળ
દહિસર-ભાઈંદર લિન્ક રોડ પ્રોજેક્ટ અંતર્ગત ભાઈંદર-વેસ્ટની સાઇટ પર ક્રેન અચાનક તૂટી પડી હતી અને એમાં બે કામદારો રઘુનાથ દાસ અને કાના સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હૉસ્પિટલમાં લઈ જવાતાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભાઈંદર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું કે આ ઘટના સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે ક્રેન તૂટી પડવાનું ચોક્કસ કારણ જાણવા અને કોઈ બેદરકારી સામેલ છે કે નહીં એ નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. BMCએ દહિસર-ભાઈંદર લિન્ક રોડ (DBLR) કાસ્ટિંગ યાર્ડમાં બનેલી ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
BMCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવામાં આવશે. અકસ્માતની વિગતવાર તપાસ કરવા અને વહેલો રિપોર્ટ આપવા માટે વીરમાતા જીજાબાઈ ટેક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસરોની એક નિષ્ણાત ટીમની નિમણૂક કરવામાં આવી છે. તપાસ કરવામાં આવશે કે શું સ્થળ પર કામદારોની સેફ્ટી માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOPs)નું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને સેફ્ટી-પ્રિકોશનમાં કોઈ ખામી હતી કે નહીં?’