કૉન્સ્ટેબલનો જ મોબાઇલ હૅક થઈ ગયો, ૭,૫૪,૦૧૪ રૂપિયા ઊપડી ગયા

31 July, 2025 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ-સ્ટેશનના ઑફિશ્યલ વૉટ્સઍપ ગ્રુપમાં RTO-ચલાનની ખોટી લિન્ક આવી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવી મુંબઈના કામોઠે વિસ્તારમાં રહેતા અને ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૩૬ વર્ષના સચિન કાશિદે પોલીસ-સ્ટેશનના ઑફિશ્યલ વૉટ્સઍપ ગ્રુપમાં આવેલી RTO-ચલાનની લિન્ક પર ક્લિક કરતાં તેમના બૅન્ક-ખાતામાંથી ૭,૫૪,૦૧૪ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ગઈ કાલે ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. બૅન્ક-ખાતામાં પૈસા ન હોવાથી સાઇબર ગઠિયાએ ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન પૅકેજ (APK) લિન્કની મદદથી કૉન્સ્ટેબલ સચિનનો મોબાઇલ હૅક કરીને તેની બૅન્ક ઍપ્લિકેશનની મદદથી ૭,૫૮,૦૦૫ લાખ રૂપિયાની લોન લઈને એ પૈસા સેરવી લીધા હતા. પોલીસ સાથે બનેલી આ ઘટના બાદ સાઇબર વિભાગ તેમ જ સ્થાનિક પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પોલીસ-સ્ટેશનમાં મેઇન સ્પેશ્યલ એટલે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમ જ રાજકીય નેતાની ગતિવિધિઓ અને સંસ્થાઓ સાથે કૉર્ડિનેશનનું કામ કરતા કૉન્સ્ટેબલ સચિન કાશિદ ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશનના ઑફિશ્યલ મોહલ્લા કમિટી ટ્રૉમ્બે નામના વૉટ્સઍપ ગ્રુપના સભ્ય છે. ૨૨ જુલાઈની સાંજે મોહલ્લા કમિટી ટ્રૉમ્બે ગ્રુપમાં RTO Challan.apk નામની એક લિન્ક જોતાં તેમણે એ લિન્ક પર ક્લિક કર્યું હતું. એ સમયે કાંઈ થયું નહોતું, પરંતુ થોડા સમય પછી અચાનક એના બૅન્ક-ખાતામાં ૭,૫૮,૦૦૫ રૂપિયા લોન તરીકે જમા કરવામાં આવ્યા હતા. થોડી વારમાં આ પૈસામાંથી ૭,૫૪,૦૧૪ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનો પણ મેસેજ મળ્યો હતો. આ માહિતીના આધારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેમણે ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. જોકે એ સમયે સાઇબર હેલ્પલાઇનની વેબસાઇટ પર ટે​ક્નિકલ પ્રૉબ્લેમ હોવાથી તેમની ફરિયાદ નોંધાઈ નહોતી. અંતે ગઈ કાલે તેમની ફરિયાદ પાછી ૧૯૩૦ પર નોંધાવીને અમે પણ આ સંદર્ભે અજાણ્યા સાઇબર ગઠિયા સામે ફરિયાદ નોંધી છે. આ કેસમાં અમારી સાથે સાઇબર વિભાગના અધિકારીઓ પણ વધુ તપાસ કરી રહ્યા છે.’ 

cyber crime crime news mumbai crime news news mumbai mumbai news navi mumbai mumbai police whatsapp