23 July, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઑનલાઇન રિયલ-મની ગેમિંગ પર બૅન લગાવવા માટે કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત કરી છે. ઑઇલાઇન ગેમિંગની લત લાગવાને લીધે આર્થિક નુકસાન થાય છે, અનેક પ્રકારના ગુના વધે છે અને રિયલ-મની ગેમિંગને લીધે આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યું છે. આ સમયાઓનો ઉકેલ લાવવા માટે ગેમિંગ માટેના અત્યારે અમલમાં છે એ કાયદાઓ પૂરતા ન હોવાનું જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવનું કાયદાના નિયમોમાં જરૂરી ફેરફાર કરવા માટે ધ્યાન દોર્યું છે.
તાજેતરમાં જ પૂરા થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં દેવેન્દ્ર ફડણવીસે આ વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘મોટા ભાગનાં ગેમિંગ પ્લૅટફૉર્મ્સ ભારતની બહારનાં હોય છે. ઑનલાઇન ગેમિંગનું અધિકારક્ષેત્ર કેન્દ્ર સરકારનું ગણાય છે એટલે કેન્દ્ર સરકાર ઑનલાઇન ગેમિંગને સદંતર બંધ કરે અથવા એને લગતા કડક નિયમો અમલી બનાવે એવી રજૂઆત કરવામાં આવી છે.’
તાજેતરમાં જ મહારાષ્ટ્રના ધારાશિવમાં ઑઇલાઇન રમી રમવામાં નુકસાન થતાં એક વ્યક્તિએ તેની પ્રેગ્નન્ટ પત્ની, બે વર્ષના બાળક અને મમ્મીને ઝેર આપીને મારી નાખ્યા બાદ જમીન વેચીને દેવું ભર્યું હતું. અમુક સગીરો ગેમિંગના રવાડે ચડીને આત્મહત્યા કરવાના કિસ્સાઓ પણ સામે આવે છે.