05 November, 2026 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
મુંબઈભરમાં ચાલી રહેલાં બાંધકામનાં સ્થળો પર અવાજના પ્રદૂષણનું નિયમિત મૉનિટરિંગ વધારવા બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સત્તાવાળાઓને કડક આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અવાજની નિર્ધારિત મર્યાદાનું પાલન કરાવવું એ સત્તાવાળાઓની વૈધાનિક ફરજ છે, કોઈ ઉપકાર કે દાન નથી.
ચીફ જસ્ટિસ મહેશ સી. ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચ મુંબઈના એક રહેવાસી દ્વારા બિલ્ડિંગ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમ્યાન અવાજના નિયમોના ઉલ્લંઘન વિશે દાખલ કરાયેલી પિટિશનની સુનાવણી કરી રહી હતી.
બાંધકામ પ્રવૃત્તિને સંપૂર્ણપણે અટકાવી દેવાનો અદાલતનો કોઈ આશય નથી એવી સ્પષ્ટતા કરતાં કોર્ટે જણાવ્યું હતું કે અવાજનું સ્તર નિર્ધારિત મર્યાદામાં રહે અને આસપાસના રહેવાસીઓને બિનજરૂરી હાલાકી ન ભોગવવી પડે એ સુનિશ્ચિત કરવું એ તેમની મુખ્ય ચિંતા છે.
બેન્ચે આકરી ટિપ્પણી કરતાં નોંધ્યું હતું કે ‘અમે સમગ્ર કામકાજ અટકાવી રહ્યા નથી. અમે સત્તાવાળાઓને નિર્દેશ આપી રહ્યા છીએ કે અવાજનું પ્રદૂષણ ઉચ્ચ મર્યાદા વટાવવું ન જોઈએ. દરેક જગ્યાએ સિનિયર અધિકારીઓ અને પોલીસે એ બાબતનું મૉનિટરિંગ કરવું પડશે.’
BMC વતી હાજર રહેલા વકીલે અદાલતને જણાવ્યું હતું કે બાંધકામના વધુ પડતા ઘોંઘાટ વિશે મળેલી ફરિયાદોના આધારે સ્ટૉપ-વર્ક નોટિસ ફટકારવામાં આવી છે. જોકે જજોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિયમોનું અમલીકરણ માત્ર કાગળ પરની ઑફિશ્યલ નોટિસો અને આશ્વાસનો પૂરતું સીમિત રહેવાને બદલે જમીન પર વાસ્તવિકરૂપે દેખાવું જોઈએ.