01 November, 2024 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટે
બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે અત્યાચારનો ભોગ બનતાં ગર્ભવતી થયેલી માત્ર ૧૧ વર્ષની છોકરીને ૩૦ અઠવાડિયાંનો ગર્ભ પાડી નાખવાની પરવાનગી આપી હતી. છોકરીએ તેના પિતા દ્વારા હાઈ કોર્ટમાં આ સંદર્ભે અરજી કરી હતી. હાઈ કોર્ટની વેકેશન બેન્ચનાં જસ્ટિસ શર્મિલા દેશમુખ અને જિતેન્દ્ર જૈને પરવાનગી આપતાં કહ્યું હતું કે આજે જ (ગુરુવારે) તે બાળકી રાજ્ય સરકારની જે. જે. હૉસ્પિટલમાં જઈને ગર્ભપાત કરાવે.
કાયદાકીય રીતે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી ઍક્ટ હેઠળ જો ૨૦ અઠવાડિયાં કરતાં વધુનો ગર્ભ પાડવો હોય તો એ માટે કોર્ટની પરવાનગી લેવી જરૂરી છે.
કોર્ટે આ પરવાનગી આપતી વખતે સૂચન કર્યું છે કે ગર્ભપાતની એ પ્રોસીજર વખતે ભ્રૂણના બ્લડ અને ટિશ્યુનાં સૅમ્પલ પ્રિઝર્વ કરીને રાખવાં, જેથી ટ્રાયલ ચાલે ત્યારે એ આરોપીના DNA સાથે સરખાવી શકાય અને પુરાવા તરીકે રજૂ કરી શકાય. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો એ પ્રોસીજર વખતે બાળકનો જન્મ થાય તો એ બાળકની પૂરતી કાળજી લેવી અને તેને દરેક મેડિકલ સુવિધા આપવામાં આવે. પીડિત બાળકી નાની છે અને તેનો પરિવાર જો તે બાળકીની સંભાળ ન લઈ શકે એમ હોય તો રાજ્ય સરકાર તે બાળકની પૂરી જવાબદારી ઉપાડશે.