સાસુ પર બળાત્કાર કરનારા જમાઈને ૧૪ વર્ષ જેલમાં કાપવાં જ પડશે

14 November, 2024 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેશન્સ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો, પણ હાઈ કોર્ટે બહાલ રાખ્યો

પ્રતીકાત્મક તસવીર

સાસુ પર બળાત્કાર કરવાના આરોપસર દોષી જાહેર થયેલા આરોપીએ સેશન્સ કોર્ટે તેને આપેલી ૧૪ વર્ષની કેદની સજાના ચુકાદાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે એના પર સુનાવણી કરીને સેશન્સ કોર્ટના એ ચુકાદાને યોગ્ય ગણાવી એ સજા કાયમ રાખી હતી. 

કેસ ૨૦૧૮નો હતો, જેમાં આરોપી યુવાન અને તેની પત્ની બન્ને અલગ રહેતાં હતાં. તેમનાં બાળકો પિતા પાસે રહેતાં હતાં અને પત્ની તેની માતા સાથે રહેતી હતી. આરોપી ઘટનાના દિવસે તેમના ઘરે ગયો હતો અને ઝઘડો કર્યો હતો. તેણે પંચાવન વર્ષની તેની સાસુને કહ્યું કે તમારી દીકરીને ઘરે પાછી મોકલો. એ પછી તે સાસુને પોતાના ઘરે લઈ ગયો હતો. એ વખતે તેણે ઘરે જતાં પહેલાં દારૂ પીધો હતો અને ઘરે ગયા બાદ સાસુ પર બળાત્કાર કર્યો હતો. એ પછી સાસુએ દીકરીને જાણ કરી એ પછી પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. પોલીસ-તપાસમાં બળાત્કાર થયો હોવાનું પુરવાર થયું હતું. આરોપીના વકીલે દલીલ કરી હતી કે એ બળાત્કાર નહોતો, મહિલાની સંમતિ​થી સેક્સ થયું હતું. સેશન્સ કોર્ટે આરોપીને દોષી ઠેરવી ૧૪ વર્ષ કેદની સજા કરી હતી જેને આરોપીએ બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારી હતી. 

હાઈ કોર્ટના જજે શું કહ્યું?
બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ જી. એ. સાનપે સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખતાં કહ્યું હતું કે ‘આરોપીએ સાસુ સાથે શરમજનક કૃત્ય કર્યું છે. સાસુ તેની માતા જેવી કહેવાય અને તેની માતાની ઉંમરની છે. આરોપીએ સાસુના સ્ત્રીત્વને અપવિત્ર કરી નાખ્યું છે‍ અને તેમના સંબંધનો ગેરલાભ લીધો હતો. ​પીડિતાએ સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે જમાઈ તેની સાથે આવું કાંઈ કરશે. ફરિયાદ પક્ષ દ્વારા જે પુરાવા અપાયા છે એનાથી એ પુરવાર થાય છે કે બળાત્કાર થયો છે. આરોપીએ જે કહ્યું છે કે એ સંમતિપૂર્વકનું સેક્સ હતું એ વાત ખોટી છે. જો એવું હોત તો મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી જ ન હોત. એટલું જ નહીં, તે તેની દીકરીને પણ એની વાત ન કરત. વળી તે ખોટા આક્ષેપ કરીને પોતાની જતી જિંદગીએ ચરિત્ર પર આવો ડાઘ લગાવવાનું પસંદ ન કરે.’ 

bombay high court nagpur rape case Crime News mumbai crime news news mumbai mumbai news