મનસ્વી રીતે ડિમોલિશન કરવા બદલ અસંવેદનશીલ મહાનગરપાલિકાને હાઈ કોર્ટે કર્યો બે લાખનો દંડ

10 April, 2025 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાતા હૉસ્પિટલની સામે આવેલા કૅન્સરના દરદીઓ માટેના શેલ્ટર હોમને તોડી પાડવાના કેસમાં કોર્ટે BMCનો લીધો જબરદસ્ત ઊધડો- એટલું જ નહીં, શેલ્ટર-હોમ માટે એ જ પરિસરમાં વૈકલ્પિક જગ્યા આપવાનો પણ સુધરાઈને આપ્યો આદેશ

પ્રતીકાત્મક તસવીર

તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં કૅન્સરની સારવાર માટે આવતા દરદીઓને સહારો પૂરો પાડતી એક ચૅરિટેબલ સંસ્થાના સ્ટ્રક્ચરને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર મનસ્વી રીતે તોડી પાડવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હૉસ્પિટલની સામે આવેલા આ શેલ્ટરમાં લોકોને રહેવાની જગ્યા અને ખાવાનું આપવામાં આવતું હતું.

ગઈ કાલે જાહેર થયેલા ચોથી એપ્રિલના આદેશમાં જસ્ટિસ ગૌરી ગોડસેએ કહ્યું હતું કે ‘BMCએ જે લોકો આ જગ્યા વાપરતા હતા તેમને કોઈ પણ પ્રકારની માહિતી આપ્યા વગર કે પ્રોસીજર ફૉલો કર્યા વગર તોડકામ કર્યું હતું. આના માટે BMCએ ફરિયાદીને ચાર અઠવાડિયાંની અંદર બે લાખ રૂપિયાનું વળતર આપવું પડશે.’

ચોથી જાન્યુઆરીએ કરવામાં આવેલા તોડકામની સામે મેસર્સ મહેતા ઍન્ડ કંપની કોર્ટમાં ગઈ હતી. તેમની યાચિકાની સુનાવણી વખતે કોર્ટે કહ્યું હતું કે BMCની અસંવેદનશીલતાને લીધે ચૅરિટેબલ સંસ્થાને ક્યારેય ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન થયું છે. મેસર્સ મહેતા ઍન્ડ કંપનીને એ જ પરિસરમાં તોડકામ કરવામાં આવેલી ૧૩૧૯ સ્ક્વેર ફૂટ જગ્યા આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
નવાઈની વાત એ છે કે યાચિકાકર્તાની અપીલ સિવિલ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં BMCએ આ શેલ્ટર-હોમ તોડી પાડ્યું હતું. ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેએ વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈ જેવા શહેરમાં ટેમ્પરરી શેલ્ટર મળવું બહુ જ મુશ્કેલ છે ત્યારે મને એ કહેવામાં જરા પણ શંકા નથી કે BMCએ ડિમોલિશન કરીને માત્ર પિટિશનરને નહીં, કૅન્સરના દરદીઓને પણ ટેમ્પરરી શેલ્ટરના અધિકારથી વંચિત રાખ્યા છે.’

કાયદાને અનુસરવું અને એનું પાલન કરવું એ જે રીતે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે એવી જ રીતે આ નિયમ BMCના અધિકારીઓને પણ લાગુ પડે છે એવું કોર્ટે નોંધ્યું હતું.

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai crime news