શિલ્પા શેટ્ટીની દાદરની રેસ્ટોરાંના પાર્કિંગમાંથી ૮૦ લાખની BMW ચોરાઈ ગઈ

29 October, 2024 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી દાદરમાં બૅસ્ટિઅન ઍટ ધ ટૉપ રેસ્ટોરાં ધરાવે છે જે મુંબઈના ક્રીમ ક્લાસમાં જાણીતી છે. એના બેઝમેન્ટના પાર્કિંગમાંથી ૮૦ લાખની ‍BMW ચોરાયાની ફરિયાદ શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે.

શિલ્પા શેટ્ટીની ૮૦ લાખની ‍BMW ચોરાઈ.

બૉલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી દાદરમાં બૅસ્ટિઅન ઍટ ધ ટૉપ રેસ્ટોરાં ધરાવે છે જે મુંબઈના ક્રીમ ક્લાસમાં જાણીતી છે. એના બેઝમેન્ટના પાર્કિંગમાંથી ૮૦ લાખની ‍BMW ચોરાયાની ફરિયાદ શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. 

શિવાજી પાર્ક પોલીસના જણાવ્યા અનુસાર ૩૪ વર્ષનો બિઝનેસમૅન રુહાન ખાન તેના મિત્ર સાથે તેની ટૂ-સીટર કન્વર્ટિબલ BMW Z4 લઈને શનિવારે મધરાત બાદ ૧ વાગ્યે રેસ્ટોરાંમાં આવ્યો હતો. તેણે તેની કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી અને એની ચાવી પાર્કિંગના ગેટ પાસે ઊભેલા કર્મચારીને આપી હતી. 

તેણે જ્યારે પરોઢિયે ૪ વાગ્યે રેસ્ટોરાંમાંથી બહાર આવી કાર લાવવા પાર્કિંગના કર્મચારીને કહ્યું ત્યારે તે લાંબો સમય સુધી કાર લઈને આવ્યો જ નહીં. ત્યારે તપાસ કરતાં ખબર પડી કે કાર ચોરાઈ ગઈ હતી. જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાં કાર નહોતી. એ પછી જ્યારે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે એમાં જણાઈ આવ્યું હતું કે બે અજાણ્યા માણસો અન્ય એક ગાડીમાં આવ્યા હતા અને તેઓ BMW લઈને નીકળી ગયા હતા. એ કાર ચોરવા તેમણે હાઈ ટેક ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. રુહાન ખાને ત્યાર બાદ આ બદલ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિલાસ દાતીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કારચોરીની ફરિયાદ અમે નોંધી છે અને તપાસ ચાલુ કરી છે. અમે અલગ-અલગ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં છે, જે ચકાસતાં એ કાર મુંબઈ બહાર નીકળી ગઈ હોવાનું જણાઈ આવતાં અમારી એક ટીમ એની પાછળ લગાડી દેવાઈ છે જે બહારગામ જઈ એની શોધ ચલાવી રહી છે.’

shilpa shetty bmw dadar news mumbai news mumbai mumbai crime news