ગયા વર્ષની સરખામણીએ BMCનું આ વર્ષે ખાડા પૂરવાનું બજેટ લગભગ અડધું

23 April, 2026 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલ્ડ મિક્સનો ઉપયોગ બંધ થવાથી ખર્ચ અડધો, ૭૫ ટકા રોડ કૉન્ક્રીટાઇઝ થવાને કારણે ખાડા પૂરવાનો ખર્ચ બચી જાય છે

ખાડાવાળો રસ્તો

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આ વર્ષે મૉન્સૂન પહેલાં મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓ સુધારવા માટે ૧૦૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે જે ગયા વર્ષે ખર્ચવામાં આવેલી રકમ ૨૦૦ કરોડ રૂપિયા કરતાં અડધાથી થોડી જ વધારે છે.

BMCના ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના રોડ કૉન્ક્રીટિંગ પ્રોજેક્ટને કારણે ખાડા પૂરવાના કામનો ખર્ચ ઘટી ગયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમ્યાન ૪૫ ટકા રોડ કૉન્ક્રીટના થયા હતા જે આ વર્ષે ૭૫ ટકા પૂરા થવાના આરે છે. આ કામમાં ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે માટે ૩૦-૩૦ કરોડ રૂપિયાનાં બે મોટાં ટેન્ડર, ૯ મીટરથી નીચેના રસ્તાઓ માટે ૭ ટેન્ડર અને ૯ મીટરથી વધુ પહોળાઈવાળા રસ્તાઓ માટે ૭ ટેન્ડરનો સમાવેશ થાય છે જે હજી સુધી કૉન્ક્રીટિંગ થયા નથી.

રોડ કૉન્ક્રીટિંગ પ્રોજેક્ટ શું છે?
૨૦૨૩માં BMCએ મુંબઈના ૭૦૦ કિલોમીટરના રસ્તાઓને વધુ ટકાઉ અને ખાડામુક્ત બનાવવા માટે કૉન્ક્રીટિંગનું કામ હાથ ધર્યું હતું. આ પ્રોજેક્ટથી ડામરના રસ્તાઓના વારંવાર સમારકામના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.

કોલ્ડ મિક્સનો ખર્ચ
ગયા વર્ષ સુધી BMC પોતાના ઉત્પાદન-પ્લાન્ટમાં તૈયાર કરેલા કોલ્ડ મિક્સનો ઉપયોગ કરતી હતી, જેમાં ૬ મીટરથી ઓછી પહોળાઈવાળા રસ્તાઓ પર ખાડા ભરવાનો સમાવેશ થતો હતો. જોકે પ્લાન્ટ બંધ થઈ ગયો હતો. એક અધિકારીએ એ વિશે કહ્યું હતું કે ‘પ્લાન્ટ શહેરમાં હોવાથી પ્રદૂષણની ચિંતાઓ સહિત વિવિધ કારણોસર બંધ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે અમે ૭.૫ કરોડ રૂપિયાના કોલ્ડ મિક્સનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે ખર્ચ અડધો થઈ ગયો છે.’ 

ક્યાં કેટલા રૂપિયા ખર્ચાશે?
1. ૯ મીટરથી વધુ પહોળા રસ્તાઓ (જે હજી સુધી કૉન્ક્રીટેડ થયા નથી) : બાવીસ કરોડ રૂપિયા
2. ૯ મીટરથી વધુ પહોળા ન હોય એવા રસ્તાઓ : ૨૦ કરોડ રૂપિયા
3. ૬ મીટરથી ઓછી પહોળાઈવાળા રસ્તાઓ સુધારવા માટે કોલ્ડ મિક્સ : ૩ કરોડ રૂપિયા
4. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એના સર્વિસ રોડ : ૩૦ કરોડ રૂપિયા
5. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એના સર્વિસ રોડ : ૩૦ કરોડ રૂપિયા  

- ઈશાનપ્રિયા એમએસ

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai potholes maharashtra news maharashtra government