17 April, 2025 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રસ્તા પર પડેલા ખાડા
ચોમાસા પૂર્વે મુંબઈના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને ૪૦૦ કિલોમીટરના રોડ પરના ખાડાઓને પૂરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ પ્રક્રિયામાં ગેરરીતિ આચરનારા વિરુદ્ધ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણીએ સખત દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હોવાની પ્રેસ-કૉન્ફરન્સમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આરે કૉલોનીમાં રસ્તાના કામકાજમાં ઘણો વિલંબ થઈ રહ્યો હતો અને એમાં ઉપયોગમાં લેવાતા માલ-સામાનની ગુણવત્તા પણ હલકી હતી. પરિણામે આ કૉન્ટ્રૅક્ટરને બે વર્ષ સુધી પાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ન લેવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બે રેડી-મિક્સ કૉન્ક્રીટ પ્લાન્ટની ગુણવત્તા સૅમ્પલ-ટેસ્ટ પાસ નથી કરી શકી જેથી તેમની નોંધણી રદ કરવામાં આવી છે અને આગામી છ મહિના માટે પાલિકાના કામમાં તેઓ કૉન્ક્રીટનો પુરવઠો મોકલી શકશે નહીં. આ ઉપરાંત એમ-પૂર્વ વિભાગમાં અને ‘બી’ વૉર્ડના જેલ રોડ પર ચાલતા કામની ચકાસણી પાલિકાના ઍડિશનલ કમિશનર અભિજિત બાંગરે કરી હતી જેમાં કૉન્ટ્રૅક્ટરોએ હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાથી બન્ને કૉન્ટ્રૅક્ટરને ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમ જ રેડી-મિક્સ કૉન્ક્રીટ પ્લાન્ટની નોંધણી રદ કરી હતી.’